
અમદાવાદને હેરિટેજ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ શહેરના શાહપુર વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યો વિકાસના દાવાને પોકળ સાબિત કરે છે. અહીં એક કિશોરને પગમાં પાટો બાંધેલો હોવા છતાં ખસ્તા રસ્તાના કારણે ઝોળીમાં દવાખાને લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે, જે સ્થાનિકોની દયનીય સ્થિતિ દર્શાવે છે. આ વીડિયો કોઈ નાના ગામનો નહીં, પરંતુ અમદાવાદના દરવાજાના ખાંચા વિસ્તારનો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટર લાઈનની કામગીરી માટે તંત્રએ બે મહિના પહેલા રસ્તા ખોદી કાઢ્યા હતા, પરંતુ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી લોકો પરેશાન થયા છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રોજિંદી અવર-જવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને સવારે પીવાનું પાણી આવતું હોય ત્યારે આખો રોડ કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને પગપાળા ચાલનારાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
દરવાજાના ખાંચામાં અનેક દુકાનો આવેલી હોવાને કારણે વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે કોન્ટ્રાક્ટરો ઘોર નિંદ્રામાંથી જાગે અને વહેલી તકે ગટર તથા રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવે.
બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 15 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં લોકો અવર-જવરની હાલાકી ભોગવી રહ્યા છે. અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.
કિશોરને ઝોળીમાં દવાખાને લઈ જવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. શાહપુર વોર્ડના મહિલા કોર્પોરેટર રેખા ચૌહાણ અને સિનિયર આગેવાન જે.ડી. વ્યાસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. તેમણે કોન્ટ્રાક્ટરોને ઉધડો લઈને તાત્કાલિક રસ્તા પર લેવલિંગ કરાવ્યું હતું તેમજ ડ્રેનેજની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી.
અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું મોત
Published On - 7:20 pm, Thu, 29 January 26