
અમદાવાદના આકાશમાં ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડ બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ભયાનક રીતે ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 240 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા, જ્યારે જમીન પર પણ 19 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દેશના સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાં સામેલ આ દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ સૌથી મોટો સવાલ યથાવત છે – આખરે આ અકસ્માત કેમ સર્જાયો?
શું આ માત્ર એક દુર્ઘટના હતી કે પછી કોકપિટમાં કંઈક એવું બન્યું હતું, જેણે આખા વિમાનને મોતના મુખમાં ધકેલી દીધું? છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલી તપાસ, બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી અને વિવિધ રિપોર્ટ્સે અનેક સવાલો ઊભા કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
Boeing 787 Dreamliner વિમાનમાં 240 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ટેકઓફ સામાન્ય રીતે થયું હતું અને લગભગ 62 સેકન્ડની ટેકઓફ રોલ બાદ વિમાન હવામાં ઊડ્યું હતું. પરંતુ ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડ બાદ જ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. અમદાવાદ એરપોર્ટથી લગભગ 1.7 કિલોમીટર દૂર બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર વિમાન તૂટી પડ્યું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક મુસાફરનો જ જીવ બચ્યો હતો. જ્યારે જમીન પર પણ 19 લોકોના મોત થયા હતા. આ ઘટના દેશના સૌથી મોટા અને કરુણ વિમાન અકસ્માતોમાંની એક બની ગઈ.
દુર્ઘટના બાદ બ્લેક બોક્સ મળી આવ્યા, તપાસ શરૂ થઈ અને અનેક થિયરીઓ સામે આવી. શરૂઆતમાં પાઇલટ્સની ભૂમિકા પર સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે સામે આવી રહેલી કેટલીક માહિતી અલગ જ દિશામાં ઈશારો કરી રહી છે. તાજેતરના ટેકનિકલ વિશ્લેષણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનની એન્જિન કંટ્રોલ સિસ્ટમ FADEC (Full Authority Digital Engine Control) દ્વારા કોઈ માનવીય હસ્તક્ષેપ વિના Fuel Cutoff કમાન્ડ આપવામાં આવ્યો હોઈ શકે છે.
જો આ દાવો સાચો સાબિત થાય તો તેનો અર્થ એ થાય કે બંને એન્જિનને ઇંધણ મળવાનું અચાનક બંધ થઈ ગયું અને સેકન્ડોના ભાગમાં બંને એન્જિન થ્રસ્ટ આપવાનું બંધ કરી બેઠા. પરિણામે વિમાન ઝડપથી ઊંચાઈ અને ગતિ ગુમાવતું ગયું અને અંતે ક્રેશ થયું.
આ ખુલાસા બાદ પાઇલટ્સ પર લાગેલા ઘણા સવાલો ફરી ચર્ચામાં આવ્યા છે. સાથે જ આધુનિક વિમાનોમાં વપરાતી ઓટોમેટેડ ટેકનોલોજીની વિશ્વસનીયતા પર પણ ચર્ચા શરૂ થઈ છે.
કેન્દ્ર સરકારની Aircraft Accident Investigation Bureau (AAIB) હાલમાં આ મામલાની વિસ્તૃત તપાસ કરી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે આગામી 30 દિવસમાં આ દુર્ઘટના અંગેનો અંતિમ રિપોર્ટ જાહેર થઈ શકે છે.
આ અકસ્માત માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. અમેરિકાની National Transportation Safety Board (NTSB), Federal Aviation Administration (FAA), બ્રિટનની AAIB અને એન્જિન ઉત્પાદક GE Aerospace પણ તપાસમાં જોડાયેલા છે. કારણ કે જો FADEC સિસ્ટમમાં કોઈ ડિઝાઇન ખામી સાબિત થાય તો દુનિયાભરમાં ઉડતા Boeing 787 વિમાનો માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
દુર્ઘટના બાદ 13 જૂને પ્રથમ અને 16 જૂને બીજું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. Boeing 787માં લાગેલા આધુનિક રેકોર્ડર્સ ફ્લાઇટ ડેટા અને કોકપિટ વોઇસ બંને પ્રકારની માહિતી સંગ્રહિત કરે છે. 24 જૂને પ્રથમ રેકોર્ડરમાંથી ડેટા સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.
AAIBના પ્રાથમિક રિપોર્ટ મુજબ વિમાને મહત્તમ 180 નોટ્સની ઝડપ હાંસલ કરી હતી. તે દરમિયાન બંને એન્જિનના Fuel Control Switch RUN સ્થિતિમાંથી CUTOFF સ્થિતિમાં પહોંચી ગયા હતા. પહેલા એક એન્જિન બંધ થયું અને ત્યારબાદ માત્ર એક સેકન્ડની અંદર બીજું એન્જિન પણ બંધ થઈ ગયું હતું. ઇંધણ પુરવઠો અટકતાં બંને એન્જિન થ્રસ્ટ આપવાનું બંધ કરી બેઠા અને વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું.
એવિએશન નિષ્ણાતોનું કહેવું છે કે Boeing 787માં Fuel Control Switch સામાન્ય સ્વીચ નથી. તેને CUTOFF સ્થિતિમાં લઈ જવા માટે પહેલા ઉપર ખેંચવું પડે છે અને તેની આસપાસ સુરક્ષા ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હોય છે. તેથી સામાન્ય અથડામણ કે હળવા સ્પર્શથી સ્વીચ બંધ થઈ જવાની શક્યતા અત્યંત ઓછી માનવામાં આવે છે.
‘સ્મૃતિ, સવાલ અને સત્ય’: Ahmedabad Plane Crash Special Story | TV9Gujarati#PlaneCrash #AhmedabadPlaneCrash #SpecialReport #BreakingNews #TruthBehindCrash #TV9Gujarati pic.twitter.com/P5NNY5aQFV
— Tv9 Gujarati (@tv9gujarati) June 8, 2026
આ જ કારણ છે કે આ કેસ હવે વિશ્વની સૌથી રહસ્યમય એવિએશન તપાસોમાંનો એક બની ગયો છે. શું ખરેખર કોઈ ટેકનિકલ ખામીએ 260 લોકોના જીવ લીધા? શું કોઈ કમ્પ્યુટર કમાન્ડે આ દુર્ઘટનાને જન્મ આપ્યો? કે પછી હજુ પણ કોઈ મહત્વપૂર્ણ કડી તપાસમાં સામે આવવાની બાકી છે?
આ તમામ સવાલોના જવાબ હવે અંતિમ તપાસ રિપોર્ટ પર નિર્ભર છે. પીડિત પરિવારો, એવિએશન નિષ્ણાતો અને સમગ્ર વિશ્વની નજર હવે AAIBના અંતિમ નિષ્કર્ષ પર ટકેલી છે. બ્લેક બોક્સે અનેક રહસ્યો ઉજાગર કર્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ અકબંધ છે – આખરે Fuel Control Switch CUTOFF સ્થિતિમાં પહોંચ્યા કેવી રીતે?
અકસ્માત, માનવીય ભૂલ કે પછી કોઈ ટેકનિકલ ખામી? આકાશમાં બનેલી આ કરુણ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે હવે સૌને અંતિમ રિપોર્ટની રાહ છે.
Published On - 8:59 pm, Mon, 8 June 26