શાહીબાગમા અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ટીશર્ટના લોગોથી યુવકની ઓળખ કરી. સીસીટીવી આધારે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરાઇ છે. આરોપીઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની વાત સામે આવી હતી. ભણેલા ગણેલા યુવકની લાશ જોતા પોલીસને શંકા હતી કે કોઈ કાવતરું ઘડીને હત્યા કરી છે, પરંતુ લૂંટના ઇરાદે હત્યા કરાઇ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ભોગ બનનાર રાકેશ જટીયાની કે જે મૂળ રાજસ્થાનનો હતો અને ગરીબ પરિવારનો એકનો એક દીકરો હતો. બાવળા ખાતે આવેલી એક કંપનીમાં તે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો હોવા છતાંય સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા તે અન્ય જિલ્લામાં નવી નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવા નીકળ્યો. આરટીઓ સર્કલથી શાહીબાગ ગયો અને રાત્રે રોડ પર સુઈ ગયો. ફરી તે ઉઠી ચાલવા લાગ્યો. ત્યાં તેને ત્રણેક લોકો મળ્યા. જે લોકોએ રાકેશને લિફ્ટ આપવાના બહાને તેની સાથે ઝપાઝપી કરી.
લૂંટ કરવા માટે આ આરોપીઓએ ઝપાઝપી કરી. આરોપીઓને શંકા હતી કે તેની બેગમાં કોઈ કિંમતી વસ્તુ હશે પણ હતા માત્ર ઇન્ટરવ્યૂને લગતા કાગળો. રાકેશને ભવિષ્ય બનાવવું હોવાથી તે બેગ આપતો નહોતો અને સતત પ્રતિકાર કરતો રહ્યો. જેથી આરોપીઓને બેગમાં નાણાં હોવાની શંકા જતાં છરીના ત્રણ ઘા મારી અને હત્યા કરી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.
એકતરફ એક અજાણી લાશ અને લાશ જોતા યુવક રખડતો ભટકતો નહિ પણ ભણેલો ગણેલો હોવાનું લાગતા તેના પ્રત્યેની સંવેદનશીલતા પોલીસને સતાવતી હતી. જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી આધારે ક્રાઇમ બ્રાન્ચ યુવકની ઓળખ કરવામાં લાગી હતી. માત્ર ટીશર્ટના લોગો પરથી ક્રાઇમ બ્રાન્ચે રાકેશની ઓળખ કરી લીધી હતી.
ઓળખ થયા બાદ આરોપીઓને શોધવા ટીમ રવાના કરાઈ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે પોલીસે અક્ષય ઉર્ફે આકાશ ઉર્ફે રાઈડર રાઠોડ, સન્ની ઉર્ફે ઢાંગી ઉર્ફે ગટી દંતાણી અને રૂપેશ ઉર્ફે રાહુલ દાંતણીયાની ધરપકડ કરી. માત્ર લૂંટના ઇરાદે જ રાકેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : લાલપરી નદીમાંથી ટૂકડા થયેલા મૃતદેહની ઓળખ માટે પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી
નોકરીની શોધમાં નીકળેલા યુવકની હત્યા બાદ હવે પોલીસ તપાસમાં લાગી છે. આરોપીઓએ માત્ર કિંમતી વસ્તુ હોઈ શકે તેની શંકા પર જ હત્યા કરી બેગ લૂંટી. પરંતુ આ બેગમાથી ઈન્ટરવ્યુના કાગળો જ નીકળ્યા. આ ઈન્ટરવ્યુ આપવાના કાગળો રાકેશ આપવા માંગતો નહોતો કેમકે સવાલ તેના ભવિષ્યનો હતો અને ત્યાં જ તેની હત્યા થઈ ગઈ. ત્યારે આરોપીઓ એ લૂંટના ઇરાદે અન્ય બે ત્રણ લોકોને પણ ધમકાવી છરી ના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મામલે તપાસ પોલીસે શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…