અમદાવાદમાં આવેલી વી.એસ. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સિસ્ટર પેન્ટ્રી રૂમની છતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. ઓર્થોપેડિક વિભાગની તૂટેલી છતનો વીડિયો સામે આવ્યો છે. છત ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. જો કે આ મામલે રાજકારણ ગરમાયુ છે. આ મામલે મેયરે તાત્કાલિક હોસ્પિટલ સત્તાધીશો સાથે બેઠક કરી હતી. તો આ બેઠકમાં AMCના વિપક્ષ નેતા શહેજાદ પઠાણે હલ્લાબોલ કર્યુ હતુ.
વી એસ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બાજુમાં આવેલો નર્સિંગ રુમમાં છતી તૂટી પડી છે. તમામ નર્સ અહીં રોજ બેસતા હોય છે. તેમનું રુટિન અહીંથી જ શરુ થતુ હોય છે. અહીં હોસ્પિટલનો કોઇ સ્ટાફ, દર્દી કે અન્ય કોઇ વ્યક્તિ હાજર હોત તો મોટી જાનહાની થાય તેમ હતુ. જો કે આજે છત ધરાશાયી થવાની ઘટનામાં કોઇ હાજર ન હોવાને કારણે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.
દર્દીઓથી ધમધમતી અમદાવાદની વી એસ હોસ્પિટલના સંચાલકોને હાલ દર્દીઓની કોઇ ચિંતા જ ન હોય તેવુ લાગી રહ્યુ છે. જર્જરિત બિલ્ડિંગના રિનોવેશન પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલની બિલ્ડિંગમાં કોઇ પણ જાતનો સુધારો જોવા મળતો નથી. છતનું વજન જે કોલમ પર હોય છે તે કોલમની હાલત પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.
હોસ્પિટલમાં છતનો ભાગ હોય, ગેલેરીની જગ્યા હોય કે પછી ઓપરેશન થિયેટર હોય કે પછી વોર્ડ હોય આ તમામ જગ્યા પર અવાર નવાર છતનો કોઇપણ ભાગ ધસી પડતો હોય છે.આવા અકસ્માતો થયા હોવા છતા પણ વી એસના સંચાલકોએ કોઇપણ જાતના નિર્ણયો લીધા નથી. માત્રને માત્ર તમામ ધ્યાન SVP હોસ્પિટલ પર કેન્દ્રીત કરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.
આ ઘટના બાદ આ બાબતને ગંભીરતાથી લઇને હોસ્પિટલના તમામ જર્જરિત ભાગોના રિપેરિંગની જરુરિયાત ઉભી થઇ છે. કારણકે આ જર્જરિત સ્થાનો પર કોઇ દુર્ઘટના ના સર્જાય તે જરુરી છે.
ઘટનાની જાણ થતાં જ મેયર કિરીટ પરમાર સહિતના AMCના નેતાઓ અને અધિકારીઓ દોડતા થયા. પત્રકારોના સવાલ અને દુર્ઘટનાના દ્રશ્યો જોઇને, ઘટનાની ગંભીરતા પારખી ગયેલા મેયરે હોસ્પિટલના સત્તાધીશો સાથે ત્વરિત અસરથી બેઠક યોજી. આ બેઠકમાં હોસ્પિટલની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી હતી, બરોબર આ જ સમયે વિપક્ષી નેતા શહેજાદ પઠાણે હલ્લાબોલ કર્યો.
નેતા વિપક્ષ પોતાના કાર્યકરો સાથે ચાલુ બેઠકમાં ઘુસી ગયા અને સૂત્રોચ્ચાર સાથે મનપાના શાસકો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. નેતા વિપક્ષનો આરોપ છે કે AMCનું તંત્ર હોસ્પિટલ બંધ કરવાની ફિરાકમાં છે અને જાણી જોઇને દર્દીઓની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…