Ahmedabad: કેન્દ્રીય આરોગ્ય પ્રધાને લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સિવિલમાં ચાલતી કામગીરી ચકાસી
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીન સેન્ટર સહિત વિવિધ વિભાગમાં કેવી કામગીરી ચાલી રહી છે તેની જાણકારી મેળવી હતી. તેમણે કોરોના સામે લડવા રસીકરણ એક માત્ર ઉપાય હોવાથી રસીકરણમાં ઝડપ લાવવા પણ જણાવ્યુ હતુ.
ગુજરાત (Gujarat)માં પણ ઓમિક્રોન (Omicron)નો પગપેસારો થઈ ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા (Mansukh Mandviya)એ એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને વધતા કોરોનાના કેસ સામે સિવિલમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કોરોનાના કેસ વધે તો સિવિલ તંત્ર તેની સામે કાર્ય કરવામાં કેટલુ તૈયાર રહેશે તેની તપાસ કરી હતી. દર્દીઓને મળતી સરકારી કાર્ડની યોજના અંગે માહિતી મેળવી હતી.
વિવિધ વિભાગની મુલાકાત લીધી
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિન સેન્ટર સહિત વિવિધ વિભાગમાં કેવી કામગીરી ચાલી રહી છે તેની જાણકારી મેળવી હતી. તેમણે કોરોના સામે લડવા રસીકરણ એક માત્ર ઉપાય હોવાથી રસીકરણમાં ઝડપ લાવવા પણ જણાવ્યુ હતુ. તેમજ દર્દીઓને મળતી સરકારી કાર્ડની યોજના અંગે માહિતી મેળવી હતી.
દર્દીઓના ખબર અંતર પુછ્યા
તેમણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પુછ્યા હતા. મનસુખ માંડવિયાએ દર્દીઓ પાસેથી તેમને કોઈ હાલાકી તો નથી પડી રહીને તે અંગેનો અભિપ્રાય પણ મેળવ્યો હતો. જેથી સિવિલમાં આવનારા સમયમાં તે દિશામાં બદલાવ થઇ શકે.
ઓમિક્રોન સામેની સજ્જતાનો તાગ મેળવ્યો
ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાવા લાગ્યા છે. ત્યારે મનસુખ માંડવિયાએ ઓમિક્રોન વેરીએન્ટને લઈને સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની તૈયારીઓ છે તેનો તાગ પણ મેળવ્યો હતો. તેમણે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને તમામ સર્જન સાથે ચર્ચા વિચારણ કર્યા અને સિવિલમાં ચાલતી કામગીરી અને પડકારો અંગે માહિતી મેળવી હતી.
સંભવિત ત્રીજી લહેર સામેની તૈયારીઓ ચકાસી
સિવિલ હોસ્પિટલમાં રસીકરણની સુવિધા સાથે સંભવિત ત્રીજી લહેરના સામના માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ, બેડ વધારવા તેમજ કોરોના સામેની સજ્જતા સહિતની જાણકારી મેળવી કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જન આરોગ્ય સુવિધા માટે કોઈ કચાશ ના રહે તે અંગે સૂચનાઓ આપી હતી.
મહત્વનું છે કે આ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી અને વધતા ઓમિક્રોનના કેસ, ભારતમાં વેક્સીનેશનની સ્થિતિ તેમજ દવાઓના જથ્થા સહિતના મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે દેશમાં વધતા ઓમિક્રોનના કેસ અંગેની સ્થિતિ પર વૈજ્ઞાનિકોની સતત નજર છે. તેમજ તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ VALSAD : મોબાઇલમાં મસ્ત રહેતા બાળકોના વાલીઓ સાચવજો, જો-જો તમારા બાળકને આવું કંઇક ન થાય ?