એકતરફ રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોના વેક્સિનની અછત સામે આવી છે. કોરોના સંક્રમણ વચ્ચે વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. 31 માર્ચ પછી કોરોના રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મહાનગરોમાં વેક્સિનની અછત સામે આવી છે. જેમા અમદાવાદ શહેરમાં પણ વેક્સિનને અછતને પગલે હાલ વેક્સિનેશન બંધ કરવુ પડ્યુ છે. કોરોના સામે રક્ષકવચ સમાન એકપણ વેક્સિનનો સ્ટોક નથી. જેમા કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનનો સ્ટોક નથી.
વડોદરા શહેરમાં પણ વેક્સિન આપવાની કામગીરી બંધ છે. વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેક્સિન લેવા આવનારા લોકો વેક્સિન લીધા વિના જ પરત ફરી રહ્યા છે. તો હાલ કોરોના કેસ વધતા ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. આ બંને હોસ્પિટલમાં પ્રતિદિન 1500થી2000 RTPCR ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા છે. કોર્પોરેશનના હેલ્થ સેન્ટરોમાં જ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડયો હોવાનું સામે આવ્યું છે. 31 માર્ચ પછી કોરોનારસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે.વેક્સિન આવ્યા બાદ વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવશે રસીનો જથ્થો આવ્યા પછી કામગીરી શરૂ કરવામાં આવશે. તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. શહેરમાં કોરોનાના કેસની વાત કરીએ તો, 140 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 2 દર્દી સારવાર હેઠળ છે.
રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન 100% જ્યારે બીજા ડોઝનું વેક્સિનેશન 92% અને ત્રીજા ડોઝનું વેક્સિનેશન 22 % થયું છે. જેમાં પ્રિકોશન ડોઝમાં કુલ 2,85,184 લોકોને કોવિશીલ્ડ, જ્યારે 11,536 લોકોને કોવેક્સિન રસી આપવામાં આવી છે. આમ કુલ 3,18,345 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા હોવાનું મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarati Video : કોરોનાને લઇને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, ‘લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર’
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારાયું છે, જેમાં કોરોનાની સાથે સાથે નવા ફ્લૂ અંગે પણ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવું જરૂરી છે. જો કે, વેક્સિનનો જથ્થો ન હોવાથી કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી છે, જે આવતા દિવસોમાં જેમજેમ મળશે, તેમતેમ વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…