Ahmedabad RTO: અમદાવાદ સાયબર ક્રાઈમ એ ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ.આર.ટી.ઓની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા.
RTOમાં લાયસન્સને લઈને ચાલતી લાલિયાવાડી દૂર કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટ કટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો અને ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા બે ARTOઓની મિલીભગતથી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઈસ્યુ કરાવી આપવાના કૌભાંડની શરૂઆત કરી.
આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા. જો કે આર ટી ઓના અધિકારીને આ બાબતની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી એઆરટીઓ સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછમાં સામે આવી છે કે અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઈસ્યુ કરાવી આપ્યા છે. આરોપીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા. ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા.
આ પણ વાંચો : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video
છેલ્લા એક વર્ષથી તેઓ આ રીતે લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટ ભાવિન શાહ અરજદારોને લઈ આવતો હતો અને ઓનલાઈન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપી ઓને આપતો હતો. પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ કોને કોને લાયસન્સ આપ્યા છે તે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય કેટલાક એજન્ટોની પણ ધરપકડ થઈ શકે છે.