અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગને સર્વિસ ટેક્સના રૂપે કેન્દ્રીય વિભાગો પાસેથી 26.26 કરોડનો ટેક્સ પ્રાપ્ત થયો છે. 2010-11 માં આકારણી કરાયા બાદ રેલવે સહિતની કેન્દ્રીય સંસ્થાઓનો અમદાવાદ મનપામાં કરોડોનો સર્વિસ ટેક્સ બાકી બોલતો હતો. જે બાકી વેરો વસૂલવા આખરે મનપાને સફળતા મળી છે. BSNL, ONGC, એરપોર્ટ, ઇન્કમટેક્સ સહિતની કેન્દ્રીય સંસ્થાઓએ મનપાને હાલ બાકી સર્વિસ ટેક્સ ચૂકવ્યો.
કેન્દ્ર સરકારની મિલકતો પાસેથી નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સર્વિસ ચાર્જ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકારની મિલકતો જો કોર્પોરેશન પાસેથી જો વિવિધ સુવિધા કે સર્વિસ વાપરતા હોય તો પ્રોપર્ટી ટેક્સના 50% અને જો સર્વિસ વાપરતા ન હોય તો પ્રોપર્ટી ટેક્સના 33% લેખે ચાર્જ કરવા સુપ્રીમ કોર્ટનો ચુકાદો અપાયો છે. જોકે અમદાવાદ મનપાને રેલવે વિભાગ તરફથી અત્યાર સુધી ક્યારેય પણ સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવેલ નહીં હતો.
રેલવે વિભાગમાં વારંવાર પત્ર વ્યવહાર, ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજૂઆતો અને મુલાકાત કર્યા છતાં તેઓનો કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. બાદમાં મનપાએ મિનિસ્ટ્રીમાં રજૂઆત કર્યા બાદ હકારાત્મક પ્રતિભાવ મળ્યો અને અમદાવાદ મનપા કમિશનર તેમજ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ વચ્ચે MOU સાઇન થયા. જેમાં પ્રોપર્ટી ટેક્સના 50% લેખે સર્વિસ ચાર્જ ભરવા રેલવે તંત્ર સંમત થયું.
અમદાવાદ મનપા વિસ્તારમાં આવતા રેલવે સ્ટેશન, સેડ, ગોડાઉન, ઓફિસ તથા ક્વાર્ટરની આકારણી બાદ રેલવે વિભાગે અમદાવાદ મનપા ને 13.05 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અમદાવાદ મનપા રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે 2010-11 માં આકારણી કરાઈ હોવા છતાં હજીસુધી રેલવે તરફથી સર્વિસ ચાર્જ ચુકવવામાં આવતો નહીં હતો. વારંવારના પ્રયત્નો બાદ બાકી ટેક્સ પૈકી 13 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આ સિવાય આગામી સમયે બાકીની આકારણી પૂર્ણ થયે વધુ 12 કરોડનો ટેકસ મનપા ને પ્રાપ્ત થશે.
આ પણ વાંચો : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 2022-23 માં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો
અમદાવાદ મનપાને આ વર્ષે રેલવે વિભાગના 13 કરોડ સિવાય કેન્દ્રીય સંસ્થાઓ BSNL 6 કરોડ, ઓએનજીસી 76 લાખ, એરપોર્ટ 4 કરોડ અને ઇન્કમટેક્સ વિભાગ પાસેથી 2.5 કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ રૂપે પ્રાપ્ત થયા છે. અમદાવાદ મનપાની કેન્દ્રીય સંસ્થાઓનો બાકી 26.26 કરોડનો ટેક્સ પ્રાપ્ત થયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…