અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બાદ હવે સનાથલ બ્રિજમાંથી પણ કાંકરા ખરવા માંડ્યા છે. કોઈ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તો લોકો માની પણ લે સિલસિલો તો બંધ જ નથી થઈ રહ્યો. પહેલા હાટકેશ્વર બ્રિજ, ત્યારબાદ ખોખરા બ્રિજ, શાસ્ત્રી બ્રિજ અને હવે સનાથલ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. શહેરના મોટાભાગના બ્રિજના કામમાં ગોબાચારીની પોલ ખૂલી રહી છે. આ એટલા માટે કહેવુ પડે છે કેમ કે 3 મહિના પહેલા તૈયાર થયેલ સનાથલ બ્રિજમાંથી કાંકરા ખરવા માંડ્યા છે. 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના માત્ર 3 મહિનામાં જ કાંકરા ખરવાની શરૂઆત થઈ ગઈ છે. નવા નક્કોર બ્રિજ પર ભ્રષ્ટાચારનુ પાપ છુપાવવા ઠેર ઠેર થીગડારૂપી પેચવર્ક કરવામાં આવ્યુ છે.
બ્રિજની વિશેષતા શું છે ?
ચાંગોદરમાં 10 માર્ચે બ્રિજનું ઉદ્દઘાટન કરાયુ હતુ અને જૂન મહિનામાં તો બ્રિજમાં ગાબડા પડી ગયા છે. બ્રિજ પાછળ 97 કરોડનો ખર્ચ કરાયો છતા તંત્રના દાવાની પોલ ખૂલી ગઈ છે. શહેરમાં વધુ એક બ્રિજને લઈને અનેક સવાલો સર્જાયા છે. આવા બ્રિજની તપાસ થવી પણ જરૂરી છે. હાલ તો તંત્ર આ મુદ્દે ભેદી મૌન સેવી રહ્યુ છે. જેમા તેરી બી ચૂપ મેરી બી ચૂપ રાખી છટકબારી શોધાઈ રહી છે. વારંવાર આ પ્રકારે બ્રિજમાં નબળી કામગીરી તંત્ર સામે અનેક સવાલ ઉભા કરે છે.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો