રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું.
જો કે, અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન, વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે.
આ નવું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગે કર્યું છે.
It was an honour to present the first copy of my coffee table book on Gir and Asiatic lions, to the Hon’ble Prime Minister of India, Shri Narendra Modi. A testament to our shared love for Gujarat’s natural treasures, this book captures the essence of… pic.twitter.com/4PhlSi6SBS
— Parimal Nathwani (@mpparimal) July 31, 2024
આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ના લેખક નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે.
અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે. ગીર માટે કાંઈક કરવાની પોતાની ખેવનામાં હંમેશા અસ્ખલિત પ્રેરણાનો સંચાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો. તેમણે વનતારા પ્રોજેક્ટના આર્ષદૃષ્ટા અનંત અંબાણી પ્રત્યે પણ આભાર પ્રગટ કર્યો હતો. અનંત અંબાણીએ ‘આ માસ્ટરપીસ બદલ પરિમલ અંકલને અભિનંદન પાઠવતા પોતાના સંદેશામાં કહ્યું હતું કે, “જ્યાં વન્યજીવસૃષ્ટિ ઝડપથી અલોપ થઈ રહી છે તેવી આ દુનિયામાં આ પુસ્તક દરેકને એ વાતની યાદ અપાવનારું છે કે આપણા કુદરતી વારસાનું જતન કરીને તેને ખીલવવી એ આપણા સહુની જવાબદારી છે.’
“હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહ પ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે,” એમ નથવાણીએ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના મહત્ત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ લાયન’ બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.
નથવાણી સોશિયલ મીડિયા ઉપર પણ ગીર અને સિંહો વિશેના સંદેશા, તસવીરો અને વીડિયો સાથે સતત એક્ટિવ રહ્યા છે, ત્યારે આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ એ કુદરતપ્રેમીઓ તથા વન્યજીવસૃષ્ટિના ચાહકો માટે એક અનોખું અને અતુલ્ય સર્જન છે.