Ahmedabad: અમેરિકા જવાની ઘેલછામાં અનેક પરિવારો વિખરાઈ ગયા હોવાની એક નહી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. વાત છે અમદાવાદના દંપતીની. અમેરિકા જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો. આ એજન્ટે અમેરિકા મોકલવાની જવાબદારી સ્વીકારી. પરંતુ જે વિગતો સામે આવી છે તે જાણીને અમદાવાદ પોલીસ સહીત સૌ કૌઈ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી વાયા દુબઈ થઈને ઈરાન પહોચવાની વાત હતી. આ દંપતીએ દુબઈ પહોચીને પરિવારજનોને સેલ્ફી મોકલી પણ ત્યારબાદ તેની દર્દનાક દાસ્તાન સામે આવી છે. જાણો આ ટીવી9 ગુજરાતીના એક્સક્લુઝીવ અહેવાલમાં.
અમેરિકા જવા નીકળેલ યુવક પંકજ પટેલનો હચમચાવીને રાખી દેનારો વીડિયો સામે આવે છે. જેમા કેટલાક લોકો તેને બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા મારી રહ્યા છે. વીડિયોમાં યુવક તાત્કાલિક પૈસા મોકલી આપવાની માગણી કરી રહ્યો છે. પૈસા માટે યુવકને હૈવાનિયતની તમામ હદો વટાવી માર મારવામાં આવ્યો છે. યુવકને બાંધી તેના સમગ્ર શરીર પર બ્લેડથી ઘા મારતા હોય તેવો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. ક્રુરતાની તમામ હદો વટાવી યુવકને શારીરિક યાતના આપવામાં આવી રહી છે. યુવકને માર મારી માનસિક રીતે તોડી નાખવામાં આવે છે. યુવક પાસે પૈસા માગતો વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. યુવક પરિવારને આજીજી કરી રહ્યો છે કે તાત્કાલિક પૈસા મોકલો. 15 લાખ જેવી રકમની માગ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારે સમગ્ર બાબતે એજન્ટનો સંપર્ક કરતા એજન્ટે તેમને 2-3 દિવસ રૂપિયા નહીં આપવા જણાવ્યુ હતુ. અને બાંહેધરી આપી હતી કે તે પંકજને છોડાવવાને પ્રયાસ કરે છે. જો કે વધુ દિવસો વિત્યા બાદ આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
સમગ્ર મામલે પરિવારની ફરિયાદને આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા એક-બે દિવસથી એજન્ટનો પણ ફોન બંધ આવતો હોવાથી પોલીસે એક ટીમને ગાંધીનગર પોલીસનો સંપર્ક કરી એજન્ટ અભય રાવલની શોધખોળ હાથ ધરી છે. હાલ એજન્ટ અભય રાવલ પણ ફરાર હોવાનુ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે. ગાંધીનગરના એજન્ટ અભય રાવલે જ કરોડો રૂપિયા ખંખેરી દંપતીને અમેરિકા પહોંચાડવાના સપના બતાવ્યા હતા. હવે પરિવાર મુશ્કેલીમાં આવતા એજન્ટ ખુદ ફરાર થઈ ગયો છે.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર દંપતી અમેરિકા જવા માગતુ હતુ અને તેમણે એજન્ટ અભય રાવલના સંપર્કમાં હતા. અભય રાવલે તેમને હૈદરાબાદથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતો. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવકને ક્રુરતાની તમામ હદો વટાવી માર મારતો વીડિયો સામે આવ્યો.
જો કે હાલ જે વીડિયો સામે આવ્યો છે તે માત્ર યુવકનો જ વીડિયો છે. યુવકની પત્નીનો તો કોઈ અત્તો પતો જ નથી. તે સલામત છે કે કેમ? ક્યાં છે તે રહસ્ય પણ વધુ ઘેરુ બન્યુ છે. હાલ આ સમગ્ર કેસમાં કૃષ્ણનગર પોલીસ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ જોડાઈ તપાસ કરી રહી છે. જો કે યુવકને બંધક કોણે બનાવ્યો, તેની પાસેથી પૈસા માગનાર શખ્સો કોણ છે? શું આ સમગ્ર કાંડમાં ગાંધીનગરના એજન્ટની કોઈ સંડોવણી છે કે કેમ ? એ તો એજન્ટ સામે આવ્યા બાદ જ બહાર આવશે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર એજન્ટનો સંપર્ક થઈ ચૂક્યો છે અને તેની ક્રાઈમબ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાંત ભોગ બનનાર યુવકના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે ક્યાં દેશ સુધી કાયદેસર જવાના હતા અને ક્યા દેશથી ગેરકાયદે રીતે પહોંચાવાના હતા. સમગ્ર કાંડમાં એજન્ટની કોઈ ભૂમિકા છે કે કેમ અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ એ તમામ મુદ્દાઓની તલસ્પર્શી વિગતો પોલીસ મેળવશે. જો કે Tv9ને મળેલી જાણકારી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી, ત્યારે યુવકનો બંધક બનાવેલો વીડિયો સામે આવ્યા બાદ પણ શા માટે પોલીસ ફરિયાદ નથી લઈ રહી તે મોટો સવાલ છે.
Published On - 10:30 pm, Mon, 19 June 23