Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહની ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ કોર્ટના સભ્ય તરીકે નિમણૂક સામે NSUIએ પ્રશ્નો ઊભા કર્યા છે. તેમનો દાવો છે કે સેનેટ કોર્ટના સભ્ય તરીકે 62 વર્ષથી વધુ ઉંમરના સભ્યની નિમણૂક ના થઈ શકે. પરંતુ અમિત શાહની નિમણુક 63 વર્ષે કરવામાં આવી હતી માટે તેમની નિમણૂક રદ કરવી જોઈએ.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય તરીકે નિમણૂક 19 એપ્રિલે કરવામાં આવી હતી. હવે એમની સેનેટસભ્ય તરીકેની નિમણૂક અને લાયકાત સામે પ્રશ્નો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે એમની ઉંમર 64 વર્ષ છે. નિયમ મુજબ યુનિવર્સિટીઓમાં સેનેટ-વેલ્ફેરની નિમણૂક 62 વર્ષથી વધુ ઉંમર હોય તો ના કરી શકાય. જો કે અમિત શાહની એપ્રિલ મહિનામાં જ્યારે નિમણૂક થઈ ત્યારે તેમની ઉંમર 63 વર્ષ હતી. આ જ બાબતને આધાર બનાવી કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI એ એમની નિમણૂક સામે પ્રશ્નો ઉભા કરી રાજ્યપાલને પુરાવાઓ સાથે પત્ર લખ્યો છે.
NSUI કાર્યકર સંજય સોલંકીએ 12 ઓગષ્ટે રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમા દાવો કર્યો છે કે અમિત શાહે વિધાનસભા ચૂંટણી 2022ના એફિડેવિટમાં તેઓ દ્વારા તેમની ઉંમર 63 વર્ષ દર્શાવવામાં આવી હતી તો તેમની ગુજરાત યુનિવર્સિટીના સેનેટ કોર્ટના સભ્ય તરીકે નિમણુંક કેવી રીતે કરવામાં આવી? જો માન્ય ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ સમક્ષ ખોટા ઉંમરના પુરાવા રજૂ કરવામાં આવ્યા હોય તો અને ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે આપેલ એફિડેવિટમાં તેમની ઉંમર 63 વર્ષ દર્શાવેલ છે. જે આ બંનેમાંથી જે પણ પુરાવા ખોટા રજૂ કર્યા હોય તો તેમની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમનું સભ્યપદ રદ કરવામાં આવે તેવી માંગણી કરાઈ.
આ પણ વાંચો : Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video
સેનેટસભ્ય અંગેનો વિવાદ સામે આવ્યા બાદ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સ્પષ્ટતા કરતી પ્રેસનોટ જારી કરી જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ધારાસભ્યના રૂએ મારી નિમણુંક કરવામાં આવેલ હતી. અગાઉ પણ હું હાલના વાઈસ ચાન્સેલર સાથે સીન્ડીકેટ સભ્ય અને એકઝીકયુટીવ કાઉન્સિલમાં રહી ચુકયો છુ. આ નિમણૂકની જો કોઈ કાયદામાં જોગવાઈ ના હોય તો હું પણ કોઈ કાયદાથી પર નથી. જે પણ બાબત ન્યાયસંગત હશે તે અનુસરવાની મારી તૈયારી છે અને ગુજરાત સરકારનો નિર્ણય મને મંજુર રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો