Ahmedabad: નાઇજિરિયન હેકર્સે દેશભરમાં જાણે તરખાટ મચાવ્યો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની તપાસમાં માલવેરથી ઈન્ફેકટેડ વધુ 8000 કંપનીઓના ઈમેઈલ આઈડી મળી આવ્યા છે. આ ઇમેઇલ આઇડી થકી નાઇજીરીયન ગેંગ ગમે ત્યારે મોટું સાયબર ફ્રોડ કરવાની તૈયારીમાં હતી. એક પછી એક જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, એમ એમ નાઇજીરીયન ગેંગનાં સાયબર ફ્રોડનાં જાળનો પર્દાફાશ થઇ રહ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની આ સૌથી મોટી સફળતા છે કે દેશભરમાં નાઇજીરીયન ગેંગનો શિકાર થનારી 8000 થી વધુ કંપનીઓને ફ્રોડ થતા બચાવવામાં સફળતા મેળવી છે.
દેશભરમાં મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ થકી મોટી લૂંટ કરવાનો પ્લાન નાઇજીરીયન ગેંગ દ્વારા કરવામાં તો આવ્યો, પરંતુ અમદાવાદ સાયબર ક્રાઇમે નાઇજીરીયન ગેંગનો આ પ્લાન તોડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. દેશભરમાં પહેલીવાર અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે રિવર્સ હેકિંગ કરીને હજારો કંપનીઓને નિશાના ઉપર લેનારી નાઇજિરિયન ગેંગનાં મનસૂબાઓને તાર તાર કરી દીધા છે. આ નાઇજિરિયન ગેંગે માલવેરયુક્ત ઈમેઈલ મોકલીને દેશના 8700થી વધુ ઈમેઈલ હેક કર્યા હતા જે અલગ અલગ કંપનીઓના છે. 8700 હેક થયેલા ઈમેઈલમાંથી ગુજરાતના 700 ઈમેઈલ ધરાવતી કંપનીઓને સુરક્ષાના પગલાં લેવા માટે જાણ કરી દેવામાં આવી છે. જો કે હજુ પણ આવી 8000 કંપનીઓના ઈમેઈલ અને ડેટા અસુરક્ષિત છે. જેને સુરક્ષિત કરવા સાઇબર ક્રાઇમ પ્રયત્નશીલ છે.
માલવેર યુક્ત ઈમેઈલ મોકલીને વિવિધ કંપનીઓના હેક કરાયેલા ઈમેઈલ આઇડી થકી નાઇજિરિયન હેકર્સ વિવિધ કંપનીઓના બેંક એકાઉન્ટ સહિતની વિવિધ વિગતો હેક કરીને રૂપિયા કમાતા હતા. જો કે સાઇબર ક્રાઈમના ધ્યાને આ વાત આવતા સાઇબર ક્રાઇમે 6 મહિનાની મહેનતે નાઇજિરિયન ગેંગનું રિવર્સ સર્વર હેક કરવામાં સફળતા મળી છે. જેના ભાગરૂપે વધુ 8000 કંપની એકાઉન્ટને તબક્કાવાર તેમના પાસવર્ડ બદલવા સૂચન કરાઇ રહ્યું છે. આ સિવાય દેશની વિવિધ કંપનીઓને સાઇબર ક્રાઇમથી બચાવવા અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક ટીમની રચના કરાઈ છે. જેમાં 1 પી.આઇ, 1 PSI અને 4 કવોલીફાઇડ ટેકનિકલ કર્મચારીનો ટીમમાં સમાવેશ કરાયો છે જે આવી કંપનીઓને હેકરથી બચાવવામાં મદદરૂપ થશે. હજુ પણ વધુ કંપનીઓના ઈમેઈલ આઈડીને નાઇજિરિયન ગેંગે ટાર્ગેટ કરી હોવાનું સાઇબર ક્રાઇમના અધિકારીઓ માની રહ્યા છે. જેમને તબક્કાવાર સાવચેત કરવાની કામગીરી અમદાવાદ સાઇબર ક્રાઇમ કરી રહી છે.
Published On - 7:48 pm, Tue, 26 September 23