અમદાવાદ (Ahmedabad) ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Airport) પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કુરિયર અને એક્સપ્રેસ કાર્ગો કન્સાઈનમેન્ટ હેન્ડલ કરતી સુવિધા શરૂ કરવામાં આવી છે. નવા કાર્ગો ટર્મિનલની સેવા શરૂ થવાથી એરપોર્ટ પર થતી આયાત અને નિકાસ તેમજ વેપારને વેગ મળશે.
24 કલાક કાર્યરત નવા કાર્ગો ટર્મિનલ પરથી દરરોજ 100 ટન અને મહિને સરેરાશ 3500 મેટ્રિક ટન માલની આયાત-નિકાસ કરી શકાશે. આ ટર્મિનલ પરથી કાર્ગોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નજીકથી ચોતરફી દેખરેખ રાખવામાં આવશે. ટર્મીનલ હેન્ડલીંગ સર્વીસ અંતર્ગત સીટી સાઈડ હેન્ડલીંગ, સીક્યુરીટી, સ્ટોરેજ, સુપરવીઝન જેવી તમામ સુવિધાઓને શરૂઆતથી અંત સુધી હેન્ડલ કરવામાં આવશે. એરપોર્ટ પર આંતરમાળખાકીય સુવિધાઓ વધતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગના સેવામાં સુધારો થશે.
નવી ટર્મિનલ સુવિધા અમદાવાદ – મુંબઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય બોન્ડેડ કાર્ગોને જોડતી ટ્રકોના બોન્ડેડ રોડ ફીડર સંબંધિત હેન્ડલિંગની સુવિધા પણ આપશે. જેનાથી 2 એરપોર્ટ વચ્ચે બોન્ડેડ કાર્ગોનું સંપૂર્ણ પારદર્શિતા અને શિપમેન્ટના રીઅલ ટાઇમ ટ્રેકિંગથી સરળતાથી કરી શકાશે. અદ્યતન સુરક્ષા અને હેન્ડલિંગ સાધનો ધરાવતું નવુ ટર્મિનલ IT સિસ્ટમ ઓટોમેશનથી સજ્જ છે, જેમાં તમામ મોડ્યુલ્સ અને કાર્ગો સિસ્ટમ્સને આવરી લેવામાં આવ્યા છે.
ફાર્માસ્યુટિકલ્સ તેમજ જલદીથી બગડી જાય તેવી ચીજવસ્તુઓને હેન્ડલ કરવા નવા કાર્ગો ટર્મિનલ પર 15 થી 25 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન ધરાવતા કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહી, આ ટર્મિનલ મશીનરી પાર્ટ્સ, કન્સોલ કાર્ગો, રેડીમેડ ગારમેન્ટ્સ, કાપડ, રંગો, રસાયણો, તેમજ અન્ય ચીજવસ્તુઓનું સુપેરે સંચાલન કરી શકશે.
ટૂંક સમયમાં ટર્મિનલ સંકુલમાં ખાસ એરસાઇડ ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તેમજ આંતરરાષ્ટ્રીય કુરિયર હેન્ડલિંગ કોરિડોરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. કસ્ટમ્સ, BCAS અને વરિષ્ઠ ઓફિસર્સની હાજરીમાં 20 એપ્રિલ 2022થી નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત થયું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ : AMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો બાખડયા, સભા બરખાસ્ત કરાઇ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 6:39 am, Tue, 26 April 22