અમદાવાદ(Ahmedabad)શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે, જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં(Police)ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાન છે.રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ(Drink And Drive) કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે આ આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. જ્યારે વિજય તળપદા ટીઆરબી જવાન તરીકે સેવા આપે છે. આ બંને આરોપીઓની ધરપકડ અપહરણ અને પૈસા પડાવવાના ગુનામાં કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશે કહ્યું કે જે આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યા હતા અને સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યા હતા તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેઓની ગાડીને રોક્યા હતા અને દારૂ પીને ગાડી ચલાવો છો, જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવો પડશે તેવું કહીને ડરાવી – ધમકાવી અપહરણ કરી લઈ જઈ એટીએમમાંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધા હતા
જો કે પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા.. જેની બાદ આઈટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી. જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક ઈસમ શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું જ્યારે બીજો આરોપી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીઓએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે ચોકી પાસેથી ફરિયાદીને રોકીને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરવામાં આવી છે.
હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ કેટલા વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે, તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેઓની સાથે આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે અવારનવાર અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થતા હોવાથી ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી ટીઆરબી જવાનોને હટાવી દીધા હતા, તેવામાં પકડાયેલો ટીઆરબી જવાન ખરેખર રીંગરોડ ઉપર ફરજ બજાવતો હતો કે પછી વાહન ચાલકો પાસે પૈસા પડાવવા માટે ત્યાં હતો તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન