
સામાન્ય રીતે ગુજરતમાં દીપડાનો વસવાટ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢમાં મોટી સંખ્યામાં છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં શેરડીના ખેતરોવાળા વિસ્તારોમાં પણ દીપડા જોવા મળી જાય છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા તથા ભરૂચની આસપાસના નદીકાંઠાના તેમજ ઝાડી વિસ્તાર અને પૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના ડુંગરાળ તથા જંગલ વિસ્તારોમાં દીપડાનો વસવાટ છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે ગત રાત્રે અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે.
ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘુસ્યો હતો અને દીપડાના આંટાફેરા પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અગાઉ 2000ની સાલમાં દીપડો ચંડોળા વિસ્તારમાં દેખાયો હતો. ત્યારબાદ 26 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દીપડો દેખાતા ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળતા સોસાયટીના રહીશો અને આસપાસના સ્થાનિકોમાં ફફડાટ અને ભારે ભયનો માહોલ છે.
હાલ દીપડાને સત્વરે પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ફોરેસ્ટ ઓફિસર દ્વારા હાલ સીસીટીવી ફુટેજ અને ફુટપ્રિન્ટ્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે તપાસ દરમિયાન સૌથી વધુ ડરામણી બાબત એ સામે આવી કે દીપડાએ શરણદીપ સોસાયટીના ગાર્ડનમાં પણ આંટાફેરા કર્યા હતા. ગાર્ડનમાં તેમણે કોઈ પક્ષીનું મારણ કર્યુ હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. જે બાદ હવે સોસાયટીના રહિશોમાં ભારે ભયનું મોજુ ફેલાઈ ગયુ છે અને જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી આ લોકો ભયના ઓથાર હેઠળ રહેશે.
શહેરી વિસ્તારમાં દીપડો આવવાની જાણ થતા જ મેયર હિતેશ બારોટે પણ સવારના સમયે સોસાયટીની મુલાકાત લીધી હતી અને સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી હતી. તેમજ રાત્રિના સમયે બહાર ન નીકળવા સૂચના પણ આપી હતી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
વન વિભાગ દ્વારા હાલ સોસાયટીના ગાર્ડનમાં પાંજરુ મુકવામાં આવ્યુ છે. અલગ અલગ કૂલ ત્રણ પાંજરા અલગ અલગ જગ્યાએ મુકવામાં આવ્યા છે. વન વિભાગની ટીમો દીપડાને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમા ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા શરણદીપ સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે. ફુટ પ્રિન્ટ્સ અને સીસીટીવીને જોતા નાયબ વન સંરક્ષકે જણાવ્યુ કે દીપડો 8 થી 9 વર્ષનો હોવાનું અનુમાન છે અને ખોરાકની શોધમા આ બાજુ આવી ચડ્યો હોવાની શક્યતા છે. દીપડાએ એક મરધીનું મારણ કર્યુ હોવાના પુરાવા પણ મળ્યા છે.
હાલ વનવિભાગનું કહેવુ છે કે શરણદીપ સોસાયટીની પાછળ સમગ્ર ગ્રીન બેલ્ટ હોવાથી દીપડો દિવસ દરમિયાન ઝાંડી ઝાંખરામાં છુપાયો હોઈ શકે છે. હાલ ડ્રોનના એરિયલ વ્યુથી દીપડો ક્યાં હોઈ શકે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. બપોરના સમયે આસપાસના ઝાડીવાળા વિસ્તારમાં દીપડો સંતાયો હોઈ શકે છે. 15 કિલોમીટરના એરિયા સુધી થર્મલ ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે. આ એવુ યંત્ર છે જેમાં દીપડાના શરીરના તાપમાન પરથી થર્મલ ડ્રોનમાં કેદ થઈ શકે છે. ઘટનાની ગંભીરતાને જોતા હાલ જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ન માત્ર ઘુમા પરંતુ દસક્રોઈ, માંડલ અને સાણંદ સહિતના વિસ્તારની ટીમો કામે લાગી છે. તથા થર્મલ ડ્રોનની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત અને સજગ રહેવા સૂચના અપાઈ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 4:55 pm, Mon, 20 July 26