Ahmedabad: ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
શાસકોએ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો, જોકે કાયદામાં કોઇ જોગવાઇ ન હોવાથી અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે અને નવા બ્રિજ માટેનું આયોજન કરાશે.
બીજી તરફ અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપની દ્વારા પલ્લવ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. જોકે કંપનીના સંચાલકો સામે કેસ અને કાર્યવાહી થતાં હવે પલ્લવ બ્રિજનું કામ પણ ખોરંભે ચડ્યું છે. મહત્વની બાબત એ છે કે કોન્ટ્રાક્ટર પાસેથી બ્રિજ તોડવા અને નવા બનાવવા માટેનો ખર્ચ વસૂલવાનો હતો.
જોકે કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાણા મળી શકે તેમ નથી, જેથી હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટે AMCએ જ ખર્ચ કરવો પડશે. ચેરમેનનો દાવો છે કે અજય ઇન્ફ્રાસ્ટક્ચરના સંચાલકો સામે કેસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
આમ અમદાવાદના બે મોટા બ્રિજ, મોટા ભ્રષ્ટાચારનો પર્યાય બન્યા છે. જોકે પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ શહેરીજનોનો થયો છે. જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી આ બંને બ્રિજ જૈસે થે હાલતમાં પડી રહેશે, અને મફતમાં પ્રજા પરેશાન થશે. સુવિધા તો નહીં મળે, પરંતુ દુવિધા ચરમસીમા પહોંચશે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે જો અજય ઇન્ફ્રાસ્ટક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનાના સંચાલકો કેસ જીતી જશે, તો બ્રિજ તોડી પાડીને નવો બનાવવાનો ખર્ચ કોણ ભોગવશે.