
સ્વાદપ્રિય અમદાવાદીઓ માટે પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 8 થી 10મી માર્ચ સુધી સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે .જેમાં ‘લક્ઝરી સ્વાદ’ અને ‘પ્રાદેશિક સ્વાદ’ એમ બે થીમ પર ફૂડકોર્ટ હશે. કોફી લવર્સ માટે અલગ કોફી કોર્ટ પણ બનાવવામાં આવશે.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, પુસ્તક મેળો, ફ્લાવર શો બાદ હવે ફૂડ ફેસ્ટિવલનુ પણ આયોજન અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ‘ફૂડ ફોર થૉટ ફેસ્ટ’ ઉજવવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી સ્વરુપમાં 8 થી 10 માર્ચ સુધી ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે.
બે લાખ ચોરસ ફૂટમાં યોજાનાર ફેસ્ટિવલમાં વાર્તાલાપ, કુકીંગ સ્કીલ અને વિચારોના આદાનપ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ કુકીંગ વારસાની ઉજવણી થશે. જેમાં કેટલીક મોટી હસ્તીઓ અને નિષ્ણાતો, માસ્ટર શેફ સાથેની વાનગીઓની શોધ સાથે સમગ્ર પરિવાર માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર રહેશે.
ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા શેફ અને નિષ્ણાતો લાઈવ ડેમો અને આહાર અંગે સમજણ આપતા કાર્યક્રમો પણ યોજાશે. જેમાં લંડનની નેટફિલેક્સ સ્ટાર શેફ અસ્મા ખાન, બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન, આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદય સિંહ, લિજેન્ડરી શેફ મનજીત ગિલ, શેફ સુવીર સરન, સેલિબ્રિટી શેફ અનાહિતા ઘોડી, નેપાળના રોહિણી રાણા. પદ્મશ્રી ડૉ. પુષ્યેશ પંત, સુપર મોડલ લક્ષ્મી રાણા, ફેશન ડિઝાઇનર નિખિલ મેહરા, પત્રકાર પૂજા તલવાર, નવાબ કાઝિમ અલી ખાન રામપુર, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ બરોડાના કેટલાક નામ પણ સામેલ છે.
દક્ષિણ એશિયાના દેશોના પ્રાદેશિક ભોજન અને લક્સ્ઝરી ભોજન માટેની બે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી છે. તો મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ, લણણી કરેલ લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ થાય એ માટે કોફી પેવેલિયન પણ હશે.
ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અલાગબલાગ પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રકારના ભોજન મળશે. જનરલ એન્ટ્રી ફી 50 રૂપિયા જ્યારે સ્પેશિયલ પેવેલીયનની એન્ટ્રી ફી 1500 થી 3000 હશે. જેમાં જમવાનું પણ આવી જશે. ત્રણ પેવેલિયનની વાત કરવામાં આવે તો બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત ‘કિચન ઓફ ધ કિંગ્સ’ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન હશે.