Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ એની સાદગી, પરંપરા અને વ્યવસ્થા માટે વિશ્વભરમાં ઓળખાય છે જોકે વિદ્યાપીઠના સત્તા મંડળમાં આવેલ ફેરફાર બાદ વિદ્યાપીઠ ના વ્યવસ્થાપનમાં પણ બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. નવું સત્તામંડળ આવ્યા બાદ 18 ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનો 69 મો પદવીદાન સમારોહ યોજાયો. જે પરંપરાગત પદવીદાન સમારોહ કરતા અલગ હતો.
વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં પ્રથમ બદલાવ બેઠક વ્યવસ્થામાં જોવા મળ્યો. દર વર્ષે યોજાતા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે વિશેષ મહેમાન અને સત્તાધીશો પણ સ્ટેજ પર જમીન પર બેસતા હોય છે. જો કે આ વર્ષે વિદ્યાર્થીઓ જમીન પર જ્યારે સત્તાધીશો ખુરશીઓ પાર બેઠેલા જોવા મળ્યા. દર વર્ષે પદવીદાન સમારોહમાં મંડપ ખાદીનો લગાવવામાં આવતો હોય છે. જોકે આ વર્ષે પ્રથમવાર ખાદીના મંડપના બદલે પોલિસ્ટરનો મંડપ જોવા મળ્યો.
ગુજરાત વિદ્યાપીઠના પદવીદાનની એક વિશેષતા એ પણ છે કે અહીંયા દરેક વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી વ્યક્તિગત એના હાથમાં પદવી વિશેષ મહાનુભાવોના હાજરીમાં અપાય છે. જોકે નવા સત્તાધીશોના રાજમાં આ વિશેષતા પણ ભુલાઈ અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત પદવી એનાયત કરવાને બદલે સામૂહિક પદવી આપવામાં આવી. જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી. પદવી ધારણ કરનાર એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાનની જે વિશેષતા હતી એને જ ભુલાવવાનું કામ કરાઈ રહ્યું છે. આ દુઃખદ બાબત છે.
વ્યક્તિગત પદવી ના આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી હતી ત્યારે ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી સ્કૂલ નાયક ભરત જોશીએ સુરક્ષાનું કારણ આગળ ધર્યું. તેમણે જણાવ્યું કે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત સ્ટેજ પર બોલાવી પદવી આપવી સુરક્ષાના કારણોસર શક્ય ન હોવાથી માત્ર ગોલ્ડમેડલીસ્ટને જ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કુલનાયકનું સુરક્ષાનું બહાનું એટલે પણ હાસ્યાસ્પદ લાગી રહ્યું છે કે અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આવ્યા ત્યારે પણ પરંપરાગત વ્યક્તિગત પદવી એનાયત કરાઈ હતી. વિદ્યાપીઠમાં આવેલ બદલાવ પરિવર્તન સંસારનો નિયમ હોવા સાથે જોડવાનો પણ પ્રયત્ન કુલનાયકે કર્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો