Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બેઠકનો દૌર શરૂ થયો છે. આજે ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમા ભાગ લેવા માટે નવા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા. પ્રભારી બન્યા બાદ સૌપ્રથમ ગુજરાત આવેલા મુકુલ વાસનિકે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન tv9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે ગુજરાત કોંગ્રેસ અને સંગઠનને મજબૂત કરવા અમે પ્રયત્ન કરીશુ. લોકસભામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા અંગે તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા બાદ ગઠબંધન અંગે નિર્ણય લેવાશે.
મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા આગામી લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ જનજન સુધી પહોંચવા જિલ્લાદીઠ પદયાત્રા કરશે. તમામ જિલ્લા સેન્ટર પર જન અધિકાર પદયાત્રા યોજશે. નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે. આ સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ જિલ્લાની પદયાત્રાઓમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આવતીકાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સામે અનેક પડકારો છે.આ અંગે પૂછાતા વાસનિકે જણાવ્યુ કે અમે ગાંધી અને સરદારના રસ્તે ગુજરાતમાં આગળ વધશુ. જેટલો મોટો પડકાર હશે એટલા જ મજબુત પ્રયત્ન સાથે આગળ વધશું અને તમામ પડકારોનો સામનો કરીશુ તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ ફરી ગુજરાતની જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીતવામાં સફળ થશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે વાસનિકે જણાવ્યુ કે પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરી આ અંગે નિર્ણય કરવામાં આવશે.
આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીના પીએમ પદના કેન્ડીડેટ બનવા અંગે વાસનિકે જણાવ્યુ કે જે રીતે ભારત જોડો યાત્રા દરમિયાન બાદ સમગ્ર દેશમાં રાહુલ ગાંધી એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે અને હાલ ઈન્ડિયા ગઠબંધનની બેઠકો હાલ ચાલી રહી છે. આ બેઠકો બાદ સૌને સાથે રાખીને પાર્ટી રાહુલ ગાંધી અંગે નિર્ણય લેશે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:00 pm, Sun, 27 August 23