
અમદાવાદ પોલીસને થાપ આપી નાસતો ફરતો BMW હિટ એન્ડ રન કેસનો આરોપી સત્યમ શર્મા આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. અકસ્માત સર્જાયા બાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો. સ્થાનિક પોલીસના હાથે સત્યમ પકડાતો ન હોવાથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાંચને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરતા રાજસ્થાનના ડુંગરપુરની એક હોટલમાંથી 21 વર્ષીય સત્યમની ધરપકડ કરી છે.
આરોપી સત્યમ શર્માની પૂછપરછ કરતા પોતે નશામાં ધૂત થઈ ઓવર સ્પીડ ગાડીમાં હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું કબૂલાત કરી છે. સત્યમ શર્માનું કહેવું છે કે પોતાની ગાડીની સ્પીડ 120થી વધુ હોવાનું કહી રહ્યો છે. જોકે બુધવારે રાત્રીના સમયે સિમ્સ હોસ્પિટલ નજીક આવેલ બ્રિજ પાસે BMW કાર ચાલક સત્યમ શર્માએ દંપતીને અડફેડે લઈ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
પકડાયેલ સત્યમ શર્માની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે બુધવારે રાત્રિના 7.30 થી 8.30 વાગ્યા સુધી BMW કારમાં જ સત્યમ તેના મિત્ર મહાવીર સાથે ભેગા મળી દારૂ પીધો હતું. એક કલાક સુધી બંને મિત્રો ચાલુ કારમાં દારૂનો નશો કર્યો હતો. જોકે દારૂનો નશો વધુ થઈ જતા સત્યમ કાર પર કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ અકસ્માતમાં ડરી જતા સત્યમ અને મિત્ર મહાવીર ભાગી ગયા હતા. ત્યાર બાદ એક દિવસ સુધી અમદાવાદ-ગાંધીનગર પર અલગ અલગ જગ્યા ફર્યા હતા.
પોલીસના હાથે ન પકડાય માટે સત્યમે મોબાઇલ તોડી ફેંકી દીધો હતો. જે પછી સત્યમને એક મિત્ર ગાંધીનગરથી રાજસ્થાન ડુંગરપુરની એક હોટલ પર મૂકીને જતો રહ્યો હતો. જ્યાં સત્યમ શર્મા નજીકના વિસ્તારમાં ફરતો હતો. સત્યમ શર્મા રોકાયો હોવાની માહિતી એક મિત્ર પાસે હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી સત્યમની ધરપકડ કરી. સત્યમને પોલીસે પકડતા જ ડરી ગયો હતો અને રડવા માંડ્યો હતો.પરતું અકસ્માત પોતે કર્યો અને દારૂના નશામાં હતો. જેની કબૂલાત કરી રહ્યો છે. આ કેસમાં ટ્રાફિક પોલીસે એફ.એસ. એલ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad: BMW હિટ એન્ડ રન કેસ, અકસ્માત સર્જનાર સત્યમના પિતાએ જણાવી ચોંકાવનારી હકીકતો, જુઓ Video
નબીરો સત્યમ શર્મા આ ઘટનાના 7 થી 8 દિવસ બાદ અમદાવાદ પરત આવવાનું નક્કી કર્યું હતું. જોકે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ તે ભાગી ગયો હતો. ત્યારે અમદાવાદથી ભાગી જવા માટે સત્યમના મિત્રોએ મદદ કરી હતી. હાલ ક્રાઇમ બ્રાંચે આરોપી સત્યમને અકસ્માત કેસમાં ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. સત્યમના મિત્રો પણ નબીરા પ્રકારના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સત્યમ શર્મા વિરુદ્ધ અગાઉ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, મારામારી અને ગાડીમાં ચપ્પુ મળી આવતા ગુના નોંધાઇ ચુક્યા છે.