અમદાવાદ (Ahmedabad) વિકાસની વધુ એક ગતિ પકડવા જઈ રહ્યુ છે. અમદાવાદના ધોલેરામાં (Dholera) બની રહેલા એક્સપ્રેસ હાઈ-વેનું કામ લોકોની સુવિધા વધે એ માટે કરવામાં આવી રહ્યું છે. જો કે આ કામગીરી શરુ થવાની સાથે જ તેમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) કરાયો હોવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે હવે ખરેખર આ રોડની કામગીરી અયોગ્ય છે અને પ્રજાના પૈસા ખરેખર ડુબી રહ્યા છે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે.
અમદાવાદના ધોલેરામાં એક્સપ્રેસ-વે બની રહ્યો છે. 3500 કરોડ જેટલો વિશાળ પ્રોજેક્ટ હોવા છતાં કરૂણતા એ છે કે આ કામમાં કરવા ખાતર કરાઈ હોય તેવી નીતિ અપનાવાઈ રહી છે. ધોલેરાના આંબળીથી બાવલિયારી સુધી 38 કિ.મીના સિક્સ લેન રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળી માટી પાથરીને રોડની ગુણવત્તા સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ છે.
ધોલેરા ભાલ વિકાસ મંચ અને ભાજપ તાલુકા પ્રમુખ સહિતના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે રોડ બનાવવામાં નબળી કામગીરીના કરાઈ રહી છે. તેમનું કહેવું છે કે આ રોડ માટે સર વિસ્તારની બહારથી ઉચ્ચ ગુણવત્તાવાળી માટી લાવવાની હોય છે. છતાં કોન્ટ્રાકટર ગામની બાજુની જમીનમાંથી જ ગેરકાયદેસર રીતે ખનન કરી ક્ષારવાળી માટીથી પુરાણ કરીને ભ્રષ્ટાચાર આચરે છે. ગામના આગેવાનોએ નબળા કામને અટકાવવા તથા ગેરકાયદેસર માટી ખનન સામે કડક કાર્યવાહી માગ કરી છે.
આ તરફ પ્રમુખ સહિતના આગેવાનોએ ગેરકાયદે માટી ખનન કરાતી જગ્યા પર દરોડા પાડી તપાસ કરી હતી. જયાં આરટીઓ નિયમ ભંગ કરતી ગાડીઓની તપાસ અને રોયલ્ટીનું ચેકીંગ કરવાની માગ સાથે તાલુકા પંચાયતના પ્રમુખે ધોલેરા પોલીસ મથકમાં અરજી આપી હતી. એટલું જ નહીં આ મુદ્દે સંબંધિત વિભાગને પણ જાણ કરાઈ છે.
આ આગેવાનોની માગ છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરતાં પણ અચકાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારના આ આરોપ બાદ કામમાં કેટલો સુધારો થાય છે? અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો તેની પર શું પગલાં લેવાય છે? કેમકે આખરે તો તેમાં વપરાતા પૈસા પ્રજાની પરસેવાની કમાણીના જ છે અને તેનો ઉપયોગ પણ લોકોએ જ કરવાનો છે.
આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો : જામનગર : રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ