Ahmedabad : અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજ મોકલનાર વ્યાયામ શિક્ષક (Teacher) તપાસ સમિતિના રિપોર્ટમાં દોષિત સાબિત ઠર્યો છે. નિવૃત ન્યાયાધીશની બનેલી કમિટીએ શાળાને રિપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં શિક્ષકને દોષિત (guilty) માનવામાં આવ્યો છે. ત્યારે હવે તેને કડક સજા કરવામાં આવશે.
આ પણ વાંચો-Gujarat Weather Forecast: આજે ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video
શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ગુરુ-શિષ્યના સંબંધની ગરિમાને લાંછન લગાડતી ઘટના અમદાવાદની મેમનગર સ્થિત સેન્ડ ઝેવિયર્સ શાળામાં સામે આવી હતી. જ્યાં વ્યાયામના લંપટ શિક્ષક રવીરાજસિંહ ચૌહાણે 9 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલ્યા હતા અને ફોટોની માંગણી કરી હતી. ઘટનાની જાણ વાલીઓને થતા શાળામાં હોબાળો થયો હતો અને લંપટ શિક્ષકની યુનિવર્સીટી પોલીસે ધરપકડ પણ કરી હતી.
ઘટના બાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મેનેજમેન્ટ એ તપાસ માટે નિવૃત ન્યાયાધીશ એડવોકેટ સહિતના પદાધિકારીઓને આવરી લેતી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી માટે કમિટી બનાવી હતી. ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી માં સમગ્ર વિવાદાસ્પદ પ્રકરણ અંગેના તમામ પાસાની ચકાસણી કર્યા બાદ કમિટીએ તૈયાર કરેલ રિપોર્ટમાં શિક્ષક રવિરાજસિંહ ચૌહાણને કસૂરવાર દોષિત ઠેરવવામાં આવ્યો છે.
પૂર્વ ન્યાયાધીશની કમિટીએ રિપોર્ટમાં નોંધ્યું છે કે આરોપીએ ભોગ બનનાર બાળાઓને અભદ્ર મેસેજ કરી ગુરૂ શિષ્યાના સંબંધોની ગરીમા ઘટાડી છે, એ શિક્ષક કે ગુરૂને ન છાજે તેવું વર્તન કરવામા આવેલુ છે. કસુરવાર શિક્ષક તરીકેની મર્યાદા ચુકી ગયા છે અને ગુનાહીત કૃત્ય કરેલુ છે તે પુરવાર થાય છે. શિક્ષક ખાતાંકીય તપાસના અંતે દોષિત ઠરતો હોવાથી શિક્ષક રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણને શિસ્ત અધિકારીએ ગંભીર પ્રકારની અને કડક સજા કરવા જણાવ્યું. સાથે જ આક્ષેપો પુરવાર થતા હોવાથી ગુજરાત રાજ્ય સેવા નિયમો હેઠળ કાર્યવહી કરવા જણાવાયું છે. શિક્ષકના સંદર્ભમાં આગામી સમયે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ટોપ મેનેજમેન્ટ ની બેઠકમાં નિર્ણય લેવાશે.