એક તરફ જ્યાં ખાનગી હોસ્પિટલો તોતિંગ ખર્ચ બતાવી દર્દીઓને લૂંટવાની એકપણ તક છોડતી નથી. ત્યાં એક ખાનગી હોસ્પિટલે ખરા અર્થમાં માનવતા મહેકાવી છે. અમદાવાદમાં ઠાકોર પરિવારના એક દંપતીને ત્યાં લગ્નના 8 વર્ષ બાદ પારણુ બંધાયુ અને IVF પદ્ધતિથી ઠાકોર પરિવારમાં જોડિયા બાળકોનો કિલકારીઓ સાંભળવા મળી. પરંતુ ફરી જન્મ બાદ બંને બાળકોનુ વજન ઓછુ હોવાથી તેમને હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખવા પડે તેમ હતા.
શાહીબાગમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અને પતરાવાળા મકાનમાં રહેતા ભરતભાઈ ઠાકોરના પત્ની સૂર્યાબેનને આઠ વર્ષ પછી બે જોડીયા બાળકો જન્મ્યા હતા. પરંતુ બંને બાળકોનું વજન ઓછું હોવાના કારણે તેમને વધુ સારવાર માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત હતી. જે માટે તેઓ શાહીબાગની ઝીલ હોસ્પિટલ ખાતે બાળકોને સારવાર અર્થે લઈ ગયા. સારવાર દરમિયાન એકાદ અઠવાડિયામાં તેઓએ તમામ ખર્ચ ઉપાડ્યો પરંતુ ભરતભાઈ કેટલાય દિવસોથી રીક્ષા ચલાવી ન હતી. જેના કારણે હાથ પર રૂપિયા ન હોવાને કારણે તેઓએ બંને બાળકોને ડિસ્ચાર્જ કરાવવાનું નક્કી કર્યું.
અચાનક ડિસ્ચાર્જનું કારણ તબીબો દ્વારા પૂછતા આર્થિક સંકડામણ હોવાનું હોસ્પિટલ સંચાલકોના ધ્યાન પર આવ્યું અને ત્વરિત હોસ્પિટલ સંચાલકોએ બાળકોને બચાવવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ ન લેવા માટે બાંહેધરી આપી હતી.
એક તરફ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીને લૂંટવા માટેના પ્રયત્નો ચાલતા હોય છે. ત્યારે બીજી તરફ હેમલ અને હેત્વી નામના આ બન્ને જોડિયા બાળકોની માતા અને દાદીમા એ હોસ્પિટલ ના સેવા પરમો ધમઁ ની વાતને નજર સામે વાસ્તવિક રુપમાં સાકાર થતા જોઈ ને ગદગદ થઈ ને દરિદ્રનારાયણની સેવા કરતી આ હોસ્પિટલનો બે હાથ જોડીને આભાર વ્યક્ત વ્યક્ત કર્યો. આવા તબીબને કારણે જ તબીબને ભગવાનના સ્વરૂપમાં જોવામાં આવે છે તેવું આ કિસ્સામાં યથાર્થ ઠરે છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:51 pm, Mon, 15 May 23