Ahmedabad: ટુવ્હીલર પર જનારી યુવતીએ હોર્ન માર્યુ તો રાહદારીએ માર્યો ઢોર માર, પોલીસે નોંધી ફરિયાદ

Ahmedabad: રસ્તા વચ્ચે ચાલતા જતા વ્યક્તિને ટુવ્હીલર પર જનારી યુવતીએ હોર્ન માર્યુ તો જાણે ગુનો કર્યો હોય તેમ માથાભારે શખ્સે યુવતીઓને ઢોર માર માર્યો. યુવતીને ગંભીર ઈજાને પગલે સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. ફરિયાદને આધારે પોલીસે માથાભારે શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: ટુવ્હીલર પર જનારી યુવતીએ હોર્ન માર્યુ તો રાહદારીએ માર્યો ઢોર માર, પોલીસે નોંધી ફરિયાદ
| Edited By: | Updated on: Oct 06, 2023 | 12:02 AM

Ahmedabad: અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. વાહન લઈને રસ્તે જતી બે બહેનોએ રસ્તા વચ્ચે ચાલતા શખ્સને હોર્ન મારતા યુવકે ઉશ્કેરાઈને બન્ને બહેનોને માર માર્યો હતો. જે યુવતીઓમાં એક યુવતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાઈ હતી. આ મામલે સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે હિસ્ટ્રીશીટર હોવાનું ખુલ્યું છે.

માર મારનાર શખ્સ હિતેશ રાવલની ધરપકડ

સરદાર નગર પોલીસે યુવતીને માર મારનાર શખ્સ હિતેશ રાવલની ધરપકડ કરી છે.  પકડાયેલો આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે. બે યુવતીઓને સામાન્ય બાબતમાં બેરહેમીથી માર મારવાના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. 4 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારમાં રહેતી બે બહેનો એક્ટીવા પર ઘરે જઈ રહી હતી, તે સમયે ગેલેક્સી અંડરબ્રિજ પાસે આવેલી ઉમા પાર્ક સોસાયટી રોડ પરથી પસાર થતા એક શખ્સ રોડ વચ્ચે ચાલતો હતો, જેથી યુવતીએ હોર્ન મારતા તેણે બન્ને બહેનોને ગંદી ગાળો આપીને જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. જે બાદ પણ આરોપીએ આટલેથી ન અટકી એક્ટીવાને લાત મારી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદ આરોપીએ બન્ને બહેનોને ઢોર માર માર્યો હતો.

માર મારનાર શખ્સનો ગુનાહિત ઈતિહાસ

આ ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને આરોપીને પણ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે અગાઉ પણ નાના મોટા 9 જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચુક્યો હોવાની હકીકત સામે આવી હતી. જોકે ઘટના બની તે સમયે તે નશામાં હતો કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે મારમારી તેમજ એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Jamnagar Video : જામનગર કસ્ટમ દ્વારા સોના-ચાંદીની હેરાફેરી કરતા 3 વ્યક્તિની 8થી 10 કિલો સોના સાથે અટકાયત : સૂત્ર

મહત્વનું છે કે પૂર્વ વિસ્તારમાં અગાઉ પણ ગુનેગારો દ્વારા સામાન્ય જનતા પર હુમલાના અનેક બનાવો બની ચુક્યા છે. તેવામાં યુવતીઓ પર જાહેરમાં થયેલા હુમલા કેસમાં ખુદ મહિલા ડિસીપીએ તેઓની મુલાકાત લઈને આ કેસમાં કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે. ત્યારે જોવાનુ રહ્યું કે આ કેસમાં પોલીસ આરોપી સામે કેવી કડક કાર્યવાહી કરે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો