અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન- ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 44 મા પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ શ્રી અબજીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શુદ્ધોદક, દૂધ, દહીં, શર્કરા,ઘી, મધ, અત્તર વગેરેથી રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ૪૪ મા પીઠાર્પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે.
સત્પુરુષો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.
દિવ્ય આશીર્વાદ બાદ ભવ્ય અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી. ચતુર્થ દિવસીય આ મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપીકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણનો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ દર્શન, શ્રવણ, દિવ્ય આશીર્વાદ વગેરેનો લ્હાવો લીધો હતો .
આ પણ વાંચો : Gujarati Video : અમરેલીમાં બળદથી ડરીને ભાગ્યા સિંહ અને તેના પાઠડા, જુઓ વાયરલ Video