એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલી અંગદાનની ઝુંબેશ દિવસે દિવસે વધુ વેગવંતી બની છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 100 અંગદાન કરવામાં આવ્યા છે. આ જ કડીમાં હવે આજે (30.01.23) 101મું અંગદાન કરવામાં આવ્યુ છે. રાજસ્થાનના ભીલવાડાના 35 વર્ષિય ભંવરલાલ બ્રેઈનડેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફની સમજાવટ બાદ તેમના પરિવારે ભંવરલાલના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમની બે કિડની, લીવર અને હ્રદયનું દાન મળ્યુ છે.
રાજસ્થાન ભીલવાડાના 35 વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે. હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોષીએ 101 માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર, સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. આ બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ 325 અંગોથી 301 જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે.
આ પણ વાંચો: Surat: નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરી બે લોકોને નવજીવન બક્ષ્યું
આ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલને 24 જાન્યુઆરીએ 100મું અંગદાન પ્રાપ્ત થયું હતું. આ અંગદાન દ્વારા મળેલા બે કિડની, લીવર, ફેફસાં અને હ્દયને અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરામાં રહેતા 26 વર્ષીય યુવકનું બ્રેઈનડેડ થતા તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો.
અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.