અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:09 PM

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે.

અમદાવાદઃ રસ્તા પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. જોકે, તંત્ર આજે લારી હટાવવાની કામગીરી કરે તે પહેલા જ વેપારીઓએ જાતે લારી હટાવી લીધી હતી. મોટાભાગના મુખ્યમાર્ગો પરથી લારીઓ રાતોરાત હટાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે અમદાવાદમાં હવે જાહેરમાં માંસ, મટન, મચ્છી અને ઈંડાનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદના મંદિર, ગાર્ડન, હોલ કે જાહેર રસ્તાથી 100 મીટરના અંતરમાં આવી લારીઓ ઉભી રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં હેલ્થનું લાઈસન્સ ન ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઈંડાના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. AMC સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં આજથી જાહેરમાં માંસ, મટન, મચ્છી, આમલેટનું વેચાણ કરતી લારીઓ સામે કાર્યવાહી કરાશે. જે દુકાન ધારકો પાસે યોગ્ય લાયસન્સ ન હોય તેની સામે પણ તવાઈ આવશે.

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે. હરિયાણા, રાજસ્થાન, પંજાબ કરતા પણ વધુ લોકો ગુજરાતમાં નોનવેજ ખાય છે. જો એકલા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં દૈનિક 18 લાખથી વધારે ઈંડાનું વેચાણ થાય છે. અમદાવાદમાં દૈનિક 200 ટન મરઘાના ચિકનનું વેચાણ પણ થાય છે.