રાજ્યમાં નકલી પોલીસ બનીને આરોપીઓ પૈસા પડાવતા હોય તેવી ઘટનાઓ જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ બહાર બની છે. અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ બહાર નકલી psi બની રોફ જમાવતો અને પૈસા પડાવતો યુવક ઝડપાયો છે.
અમદાવાદનાં ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ બહાર રિક્ષા અને લારી ગલ્લાઓ પર રોફ જમવતો આરોપીનું નામ અશોક ચૌધરી છે. આરોપી અશોક ચૌધરી મૂળ બનાસકાંઠાના વાવ તાલુકાનો રહેવાસી છે અને ફક્ત 10 મુ ધોરણ પાસ છે. પણ અશોક ચૌધરીનો મોટો ભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો પોલીસ વિભાગમાં નોકરી કરે છે. જેથી અશોક ચૌધરીને પણ પોલીસ બનવાની ઈચ્છા હતી. જેથી તે નકલી પોલીસ બની ફરતો હતો. અને રોફ જમાવતો હતો. ગીતામંદિર એસટી પોલીસે આ નકલી પીએસઆઈ અશોક ચૌધરીની ધરપકડ કરી છે.
અસલી પોલીસે જ્યારે નકલી પોલીસ અશોક ચૌધરીની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે અશોક ચૌધરીએ વાડજ પાસે 3500 રૂપિયામાં પોલીસનો ડ્રેસ સિવડાવ્યો હતો.
આરોપી અશોક ચૌધરીના લગ્નને પણ હજી દોઢ મહિનો જ થયો છે. આરોપી અગાઉ 2021 માં સાબરમતી પોલીસ મથકમાં આરોપી તરીકે હતો. જે મામલે તે જેલમાં પણ રહી ચૂક્યો છે. અમદાવાદમાં રહી આરોપી અશોક નકલી પોલીસ બની લોકો અને દુકાનદારોને ધમકાવી રૂપિયા પડાવતો હતો. પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેના ધ્યાને આ નકલી પોલીસ આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. નકલી પોલીસે અન્ય ક્યા ક્યા લોકો કે દુકાનદારો પાસેથી પૈસા પડાવ્યા છે. અને અન્ય કોઈ જગ્યાઓ પર ગુનો આચાર્યો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ અમદવાદામા નકલી પોલીસ બનીને લોકો સાથે ઠગાઈ કરતો આરોપીને રામોલ પોલીસે ઝડપાયો હતો. રાહદારીઓને રોકી કોઈને કોઈ બહાનું બતાવી વધુ રકમ માંગતો હતો અને બાદમાં રાહદારી જે રકમ આપે તે લઈ લેતો હતો. આ સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. નકલી પોલીસ પાસેથી બળજબરીથી કઢાવી લીધેલા રૂપિયા અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.