વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતા કૃષિકાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે આ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલો નિર્ણય વિચારી સમજીને જ લેવામાં આવ્યો હશે. પરંતુ, કેટલાક વિઘ્નસંતોષી વ્યક્તિઓએ આ કાયદા વિરોધમાં હંગામો મચાવ્યો છે. જે કદાચ ખેડૂતોના હિતમાં નથી. કારણ કે કાયદાઓ ખેડૂતોના ફાયદા માટે જ લેવામાં આવ્યા હતા. કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખેડૂતોનું જ અહિત કરતા હોવાનું સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, કૃષિ કાયદા બાબતે મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.
મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક બાબત છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જોવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યો છે.