જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

| Edited By: | Updated on: Sep 30, 2021 | 5:15 PM

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ સિઝનનો 52 ટકા વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસેલા વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ (Monsoon Record) તોડી નાખ્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ સિઝનનો 52 ટકા વરસાદ ખાબક્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. જોવા જઈએ તો રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સિઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર સવા બે ઈંચ જ વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જે ચાલુ સિઝનનનો 93.88 ટકા વરસાદ છે.

વાત કરીએ ડેમની તો સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ રાજ્યના 206 ડેમમાં 4 લાખ 46 હજાર 45 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશય હાઈ એલર્ટ પર છે. જ્યારે 9 જળાશય એલર્ટ પર છે અને 13 જળાશય વોર્નિંગ પર છે. વરસાદને પગલે રાજ્યમાં NDRF ની 20માંથી 17 અને SDRFની 11 માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRF ની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: હવામાન વિભાગે શું કરી આગાહી ? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ ?

આ પણ વાંચો: ગુજરાત ઉપર બે દિવસ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, જાણો સેટેલાઇટ તસ્વીરની મદદથી કયાં પડશે ભારે વરસાદ ?