
સુભાષ કપૂરની કોર્ટરૂમ કોમેડી-ડ્રામા “જોલી એલએલબી 3” આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ વખતે ફ્રેન્ચાઇઝના બંને ફેમસ વકીલ અરશદ વારસી (જોલી 1) અને અક્ષય કુમાર (જોલી 2) એક જ ફિલ્મમાં સામસામે છે. ફિલ્મમાં સૌરભ શુક્લા ફરી એકવાર જજ સુંદર લાલ ત્રિપાઠીની ભૂમિકા ભજવી રહ્યા છે. હુમા કુરેશી અને અમૃતા રાવ પણ પુષ્પા પાંડે તેમજ સંધ્યાની ભૂમિકામાં પાછા ફર્યા છે.
જોલી એલએલબી 3 પરસૌલ નામના ગામની છે, જ્યાં એક ઉદ્યોગપતિ “બિકાનેર ટુ બોસ્ટન” બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે જમીન કબજે કરવા માંગે છે. તે ખેડૂતોની જમીન કબજે કરવા માટે સામ દામ દંડ ભેદ દરેક યુક્તિનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતો પૂર્વજોની જમીન છોડવા તૈયાર નથી અને અહીંથી લડાઈ શરૂ થાય છે. હરિભાઈ ખેતાન, લોકલ રાજકારણીઓ અને અધિકારીઓ સાથેના પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેમની જમીન હસ્તગત કરી લે છે.
આ પરિસ્થિતિમાં, એક ખેડૂત આત્મહત્યા કરે છે અને પછી વાર્તા જાનકીનો પરિચય કરાવે છે, જે ન્યાય માટે ઉદ્યોગપતિ સામે લડવાનું નક્કી કરે છે. કયો જોલી જાનકીના હેતુ માટે લડે છે અને કયો જોલી તેની વિરુદ્ધ જાય છે તે જાણવા માટે, તમારે થિયેટરોમાં “જોલી એલએલબી 3” જોવી પડશે.
અક્ષય કુમાર તેના જૂના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે. અક્ષયની એક્ટિંગ એટલી પાવરફૂલ છે કે, તમે તેના દરેક ડાયલોગ પર તાળીઓ પાડ્યા વગર રહી શકશો નહી. તેનું કોમિક ટાઇમિંગ પણ ગજબ છે. અરશદ વારસીનું કામ પણ શાનદાર રહ્યું છે. કોમેડીમાં તે અક્ષયને ટક્કર આપી રહ્યો છે અને બંને જ્યારે ભેગા થાય છે ત્યારે કોમેડીનો ડબલ ડોઝ મળી રહે છે.
સૌરભ શુક્લા એક સરપ્રાઇઝ ફેક્ટર છે અને તેની ડાયલોગ ડિલિવરી પણ ગજબની છે. સીમા બિશ્વાસ દરેકને ઇમોશનલ કરી દેશે. ગજરાજ રાવે નેગેટિવ રોલમાં ઉમદા કામ કર્યું છે. હુમા કુરેશી અને અમૃતા રાવનું કામ પણ એકંદરે સારું છે.
સુભાષ કપૂરની રાઇટિંગ અને ડાયરેક્શન ખરેખર શાનદાર છે. તેમણે એક ગંભીર મુદ્દા પર મનોરંજક ફિલ્મ કેવી રીતે બનાવવી તે બતાવ્યું છે. તેમણે દરેક પાત્રનો યોગ્ય ઉપયોગ કર્યો છે. ટૂંકમાં આ ફિલ્મ એક શાનદાર ફિલ્મ છે.