
જાણીતી ફિલ્મ અભિનેત્રી, કાજોલની બહેન અને બિગ બોસ 7 થી જાણીતી બનેલી તનિષા મુખર્જીએ (Tanishaa Mukerji) મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ (MSEB) પર, સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા છે. તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો કે ખૂબ વધારે વીજળીના બિલને કારણે લોનાવાલામાં તેમના પૈતૃક ઘરનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. અભિનેત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ બાબતે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. વધુમાં, અજય દેવગનની સાળીએ કહ્યું કે લોનાવાલામાં વીજળી વિભાગ “માફિયા”ની જેમ કામ કરી રહ્યું છે.
વરિષ્ઠ અભિનેત્રી તનુજાની પુત્રી તનિષા પુણેના લોનાવાલામાં વિન્ટેજ-શૈલીની પૈતૃક સંપત્તિ ધરાવે છે. તે ખાસ પ્રસંગો અને રજાઓ દરમિયાન તેના સમગ્ર પરિવાર સાથે ત્યાં વારંવાર જાય છે. આજે મંગળવારે, 48 વર્ષીય અભિનેત્રીએ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘X’ પર મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડની ટીકા કરી હતી.
પોતાની પોસ્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા તનિષાએ લખ્યું, “લોનાવાલામાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ માફિયાની જેમ વર્તી રહ્યું છે ! તેઓ ખૂબ વધારે વીજ બિલ મોકલી રહ્યા છે અને વીજ પુરવઠો કાપીને ચૂકવણી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. આ એક ગુનો છે ! નિયત તારીખ આવતા પહેલા જ શનિવારે સાંજે વીજળી કાપવા આવી પહોંચવું…” “તેમણે લોકોને બંધક જેવો અનુભવ કરાવ્યો છે.”
તનિષાએ કહ્યું, લોનાવાલા આવો અને વીજ બોર્ડની મનમાની જુઓ. પોતાની પોસ્ટના અંતે તનિશાએ મુખ્યમંત્રી ફડણવીસ, ગૃહમંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ટાટા પાવરને ટેગ કર્યા. તેમણે લખ્યું, “કૃપા કરીને લોનાવાલા આવો! અહીં કોઈ નિયમો કે કાયદા નથી. તેઓ મનસ્વી રીતે વર્તી રહ્યા છે!”
Maharashtra state electricity board in lonavala are behaving like mafia ! They are giving huge bills and forcing payment by cutting off electricity. This is just criminal! Coming on a Saturday evening to cut off the electricity even if it is before the due date and just holding people hostage. @CMOMaharashtra @Dev_Fadnavis @myogiadityanath @AmitShah @TataPower pls come to lonavala ! There is no regulation. They are just doing whatever they want! #inhuman
— Tanishaa S Mukerji (@TanishaaMukerji) September 29, 2026
યુઝર્સ તનિષા મુખર્જીની પોસ્ટ પર ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે પૂછ્યું કે તેઓ નિયત તારીખ પહેલાં બાકી રકમ ચૂકવવા માટે શા માટે રાહ જોઈ રહ્યા હતા. તેના જવાબમાં તનિષા મુખર્જીએ કહ્યું, “કોઈ છેલ્લી તારીખની રાહ જોઈ રહ્યું નથી. પરંતુ નિયત તારીખ પહેલાં વીજળી કાપી નાખવી અને જે બિલની ચકાસણી થઈ નથી તેની ચુકવણી માટે આગ્રહ રાખવો એ ગેરકાયદેસર છે !”
તો અન્ય એક યુઝરે સહાનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છે. તનિષા મુખર્જીએ જવાબ આપ્યો, “કૃપા કરીને યોગ્ય લોકોને ટેગ કરો જેથી આપણે બદલાવ લાવી શકીએ ! કોઈ ઈજારો (મોનોપોલી) નહીં ! કોઈ દાદાગીરી નહીં !”