
બોલિવૂડ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મના મેકર્સે મંગળવારે સવારે 27 ઑક્ટોબરને રોજ તેનું નવું ગીત ‘સુનિયો જરા’ રિલીઝ કરી દીધું છે.
આ ગીતની ખાસ વાત એ છે કે, તેને હિન્દી સંગીત જગતના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણ અને કુમાર સાનુએ પોતાનો અવાજ આપ્યો છે. તેમની સાથે અનુપમ અમોદ પણ આ મ્યુઝિકલ કોલાબોરેશનનો હિસ્સો છે. આ ગીત ભાવુક કરવાની સાથે-સાથે જૂની યાદોમાં તાજી કરાવવાનો પ્રયાસ કરે છે.
‘સુનિયો જરા’ મિત્રતા પર આધારિત એક ગીત છે, જેના વીડિયોમાં સની દેઓલ અને રવિ કિશન એક રોડ ટ્રિપ પર નીકળતા નજરે પડે છે. વીડિયોમાં બંને વચ્ચેનો પ્રેમ અને જૂની દોસ્તી સ્પષ્ટ દેખાય છે. સફર દરમિયાન તેમની વાતો અને જૂની યાદો દિલને સ્પર્શી જાય છે. આ ગીત બતાવે છે કે, સમય સાથે સાચી મિત્રતા વધુ મજબૂત થાય છે.
ગીતને લઈને ઉદિત નારાયણે પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી કુમાર સાનુ સાથે ફરીથી ગાવું એ તેમના માટે કરિયરના એક સુંદર સમયને ફરીથી જીવવા જેવો અનુભવ રહ્યો છે. અનુપમ અમોદના જોડાવાથી આ સહયોગમાં નવી ઊર્જા પણ આવી છે.
ઉદિતને આશા છે કે, ફેન્સ ગીતના દરેક સૂર અનુભવી શકશે. કુમાર સાનુએ આ ગીતને સંગીતથી આગળ વધીને મિત્રતા, યાદો અને એકસાથે આવવાની ખુશી સાથે જોડાયેલું ગણાવ્યું. તેમના મતે આ પ્રકારના ગીતની ખાસિયત એ છે કે, તે ભાવનાઓ સાથે જોડાય છે અને લાંબા સમય સુધી લોકોના દિલમાં જગ્યા બનાવી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, દર્શકોને આ ગીત જરૂર પસંદ આવશે.
આ ગીતમાં પોતાનો અવાજ આપનાર અનુપમ અમોદે ઉદિત નારાયણ અને કુમાર સાનુ જેવા વરિષ્ઠ ગાયકો સાથે કામ કરવાને સન્માનની વાત ગણાવી. તેમણે કહ્યું કે, ‘સુનિયો જરા’માં સાથ, સફર અને લાગણીઓનો સુંદર મેળ છે. આવા અર્થપૂર્ણ ગીતનો ભાગ બનવું એ તેમના માટે ગર્વની વાત છે.