
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની અપકમિંગ ફિલ્મ ‘The Vvan’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ‘ઐગિરી નંદિની’ ગીતના કારણે ફિલ્મ વિવાદોમાં આવી છે. સિંગર સરગમ વૈશે મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે, ‘ઐગિરી નંદિની’ ગીતને ટ્રેલરમાં તેની પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યું છે.
સરગમ વૈશે એક વીડિયો શેર કર્યો છે. એમાં તે એવો દાવો કરે છે કે, ફિલ્મના મેકર્સે તેનું ગીત ચોરી કર્યું છે અને તેની પાસેથી આ ગીતનો ઉપયોગ કરવાની પરમિશન પણ લેવામાં આવી નથી. સાથે જ સિંગરે મેકર્સ પાસે આ ગીતને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે.
સિંગર સરગમ વૈશે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિંગર દાવો કરી રહ્યા છે કે, મારું ગીત ‘ઐગિરી નંદિની’ મારી પરમિશન વગર મેકર્સે પોતાની ફિલ્મના ટ્રેલરમાં યુઝ કર્યું છે. બીજી તરફ સિંગરે માંગ કરી છે કે, આ ગીતને વહેલી તકે હટાવવામાં આવે.
સિંગરે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘ફિલ્મ ‘The Vvan’માંથી મારું ગીત હટાવવામાં આવે. મેં હાલમાં જ ‘The Vvan’નું ઓફિશિયલ ટ્રેલર જોયું અને આ ટ્રેલરમાં મારા ગીતને મારી સંમતિ વગર ઉપયોગ કરવામાં આવ્યું છે.’
સિંગરે આગળ લખ્યું, ‘મેં ટ્રેલર કે ફિલ્મના પ્રચાર માટે મારા સંગીતને ઉપયોગ કરવાની પરવાનગી જ આપી નથી. આ મારા માટે ખૂબ મહત્વનું છે, કારણ કે મેં આ ગીતને સ્વતંત્ર કલાકાર (ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ) તરીકે બનાવ્યું છે. આનાથી મારા પ્રોજેક્ટ્સ પર પણ અસર પડશે. મારું માનવું છે કે, દરેક કલાકારને તેના કામનું સન્માન મળવું જોઈએ. કોઈપણ આર્ટિસ્ટના કામને તેની સંમતિ વગર ઉપયોગ ન કરવો જોઈએ. હું ફિલ્મની ટીમ પાસે વિનંતી કરું છું કે, મારું ગીત હટાવી દેવામાં આવે અને સીધો મારો સંપર્ક કરવામાં આવે. જો આ ગીતના રાઈટ્સ તેમની પાસે છે તો મને તેની કોઈ જાણકારી નથી, તો કૃપા કરીને મને આ અંગે જરૂર જણાવો.’
બીજી તરફ સિંગરે સોશિયલ મીડિયા યુઝર્સ પાસે હેલ્પ માંગતા કહ્યું, ‘મને આપ સૌની જરૂર છે, કૃપા કરીને મારી આ પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે. ઇન્ડિપેન્ડન્ટ કલાકારોને સપોર્ટ કરવા અને તેમના કામનું સન્માન કરવા વાળા લોકોનો દિલથી આભાર.’ હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી ફિલ્મના મેકર્સે આ મુદ્દા પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી.