અભિનેતા સૈફ અલી ખાને જીવલેણ હુમલા બાદ તેને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઇવર સાથે મુલાકાત કરી. સૈફ અલી ખાને મંગળવારે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં પહેલા રિક્ષા ડ્રાઇવર ભજન સિંઘ રાણા સાથે મુલાકાત કરી. બંનેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક તસવીરમાં સૈફ અને ડ્રાઇવર ભજન સિંઘ રાણા બંને હોસ્પિટલના બેડ પર બેઠેલા જોવા મળે છે. આ તસવીરો સૈફની પુત્રી સારા અલી ખાને ડ્રાઇવર ભજન સિંહ રાણાના મોબાઇલમાં લીધી. મહત્વનું છે કે હુમલાખોરે સૈફ પર છ વખત હુમલો કર્યો હતો, જેના કારણે સૈફ લોહીમાં લથબથ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં રિક્ષા ડ્રાઇવર ભજન સિંઘ રાણા સૈફને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા.
સૈફ પર હુમલા બાદ તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ ડ્રાઇવર ભજન સિંઘ રાણાની ચોતરફ પ્રશંસા થઇ રહી છે. ઘટના બાદ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને રિક્ષા ચાલકે પોતાનું ભાડું પણ પૂછ્યું નહોતું. ત્યારે આ કાર્ય માટે એક સામાજિક સંસ્થાએ ડ્રાઇવર ભજન સિંઘ રાણાને 11 હજારનું ઇનામ આપ્યું છે. આ અંગે ભજન સિંઘ રાણાએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું થશે. મને ખૂબ જ ગર્વ છે, સન્માન પામીને ખૂબ જ સારું લાગે છે.
Published On - 4:47 pm, Wed, 22 January 25