
નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક મહાગાથા ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજેન્ડ’ના રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 5 નવેમ્બરે દિવાળીના અવસરે રિલીઝ થવા માટે તૈયાર છે, ત્યારે મેકર્સ દર્શકો સુધી પહોંચવાના દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, સાઈ પલ્લવી માતા સીતા તરીકે અને યશ રાવણના રોલમાં જોવા મળશે. આ દરમિયાન મેકર્સે ‘રામાયણ’ની એક નવી ઝલક શેર કરી છે, જેણે ફેન્સમાં ઉત્સુકતા વધારે વધારી દીધી છે. આ BTS વીડિયોમાં સાઈ પલ્લવીનો માતા સીતા તરીકે યોદ્ધા અવતાર જોવા મળી રહ્યો છે અને યશ રાવણ તરીકે શિવ તાંડવ કરતા નજરે પડી રહ્યા છે.
હાલમાં જ, ફિલ્મ નિર્માતાઓએ ઓનલાઈન 6 અલગ-અલગ ભાષાઓમાં ફિલ્મનું બીજું ટ્રેલર જાહેર કર્યું હતું. તેના એક દિવસ પછી તેમણે એક નવો BTS વીડિયો રજૂ કર્યો, જેમાં ડિરેક્ટર નિતેશ તિવારી, રણબીર કપૂર અને નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મ વિશે ચર્ચા કરતા જોવા મળે છે.
BTS વીડિયોમાં યોદ્ધા સીતા તરીકે સાઈ પલ્લવીની નવી ઝલક જોવા મળી છે, જેમાં તે તલવારબાજી કરતી દેખાઈ રહી છે. આ નવા ફૂટેજમાં, સાઈ પલ્લવી યોદ્ધાના અવતારમાં રાક્ષસી સેના સામે લડતી પણ જોવા મળી રહી છે.
પ્રોમોમાં ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પણ ઝલક જોવા મળે છે, જેઓ સૂર્યોદય સમયે એક પહાડ પર ઊભા છે અને પછી રાક્ષસી સેનાનો સંહાર કરતા નજરે પડે છે.
આ પછી વીડિયોમાં યશના રાવણનો સીન આવે છે, જેઓ ભગવાન શિવની એક વિશાળ પ્રતિમા સામે તાંડવ કરતા દેખાય છે. વીડિયોની સાથે મેકર્સે લખ્યું, ‘એક ભવ્ય મહાકાાવ્ય. નમિત મલ્હોત્રા, નિતેશ તિવારી અને રણબીર કપૂર સાથે જોડાઓ, જ્યાં તેઓ ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજેન્ડ’ને મોટા પડદા પર લાવવા વિશે ચર્ચા કરી રહ્યા છે.’
ફિલ્મ અને તેના પ્રોડક્શનના ભવ્ય સ્કેલ વિશે વાત કરતા નમિત મલ્હોત્રાએ ખુલાસો કર્યો કે, રામાયણમાં લગભગ 10 હજાર ટેકનિશિયનો કામ કરી રહ્યા છે. નમિત મલ્હોત્રા કહે છે, ‘રામાયણ એક ખૂબ જ મોટી મહાગાથા છે, જેમાં પાત્રોની સમજ, લાગણીઓ અને ભવ્યતા ભરપૂર માત્રામાં છે.
તેમાં દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક છે. તેથી, જ્યારે મારી પાસે ‘રામાયણ’ બનાવવાની તક આવી, ત્યારે લાગ્યું કે આપણે આના પર જરૂર કામ કરવું જોઈએ. કેટલીક ફિલ્મો ફક્ત બનાવવામાં આવે છે અને કેટલીક પોતાના આપ મેળે આકાર લે છે. ‘રામાયણ’ આમાંથી જ એક છે.’
બીજી તરફ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ પણ ‘રામાયણ’ વિશે વાત કરી અને કહ્યું, ‘દુનિયાભરના લોકો આનાથી જોડાઈ શકશે. તેમાં પિતા-પુત્રની એક ભાવનાત્મક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે અને સાથે જ તેમાં એક ખૂબ જ સાહસિક પ્રેમકથા પણ છે.’
નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજેન્ડ’ની વાત કરીએ તો, આ ફિલ્મને નમિત મલ્હોત્રાના ‘પ્રાઇમ ફોકસ સ્ટુડિયો’એ DNEG અને યશના ‘મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ’ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ મહાગાથા બે ભાગમાં રિલીઝ થશે.
પહેલો ભાગ દિવાળી 2026થી ત્રણ દિવસ પહેલાં એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થશે અને બીજો ભાગ દિવાળી 2027 પર દર્શકો વચ્ચે આવી શકે છે. આ ફિલ્મને ભારત બહાર દુનિયાભરમાં ‘સોની પિક્ચર્સ’ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે, જ્યારે હિન્દી ભાષી માર્કેટમાં તેના ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી ‘ધર્મા પ્રોડક્શન્સ’ સંભાળશે.