મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક તરફ ઉદ્ધવ ઠાકરે હવે શિવસેનાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસ આગળની રણનીતિ નક્કી કરવામાં બિઝી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે કંગના રનૌતનું (Kangana Ranaut) નિવેદન સામે આવ્યું છે. એક્ટ્રેસ કંગના રનૌતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર પર કટાક્ષ કર્યો છે. માત્ર આટલું જ નહીં, વીડિયો શેર કરતી વખતે કંગનાએ કટાક્ષયુક્ત કેપ્શન પણ આપ્યું છે.
મહારાષ્ટ્રના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ એક્ટ્રેસ કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. કંગના રનૌતે કહ્યું, ‘1975 પછી આ સમય ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. વર્ષ 1995માં લોક નેતા જયપ્રકાશ નારાયણે સૂત્ર આપ્યું હતું, સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે. તેમજ અનેક સિંહાસનો પડી ગયા હતા. 2020 માં, મેં કહ્યું હતું કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને જેઓ સત્તાના ઘમંડમાં જે વિશ્વાસ તોડે છે તેઓ તેમનો ઘમંડ તૂટવો તે નિશ્ચત છે.’ કંગના રનૌતે આ એક મિનિટના વીડિયોને કેપ્શન આપીને લખ્યું- ‘જ્યારે પાપ વધી જાય છે, તો સર્વનાશ થાય છે અને તે પછી સર્જન થાય છે.’
કંગના રનૌત વીડિયોમાં આગળ કહે છે, ‘જે લોકો સત્તાના ઘમંડમાં જનતાનો વિશ્વાસ તોડે છે, તેમનો ઘમંડ પણ તૂટવાનો નક્કી જ છે. આ કોઈ વ્યક્તિની શક્તિ નથી. આ શક્તિ છે સાચા ચરિત્રની છે. બીજી વાત એ છે કે હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી. હર હર મહાદેવ, જય હિન્દ. જય મહારાષ્ટ્ર.’
કંગના રનૌતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગનાના ફેન્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિભાવ આપી રહ્યા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હોય. આ પહેલા પણ ઘણી વખત કંગના રનૌત શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યા હતા.