
ફેમસ સિંગર દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)હાલમાં Aura India Tour 2026 પર છે. અત્યારસુધી તે ભારતમાં અનેક શહેરોમાં કોન્સર્ટ કરી ચૂક્યો છે. 21 નવેમ્બરના રોજ સિંગરનો અમદાવાદમાં લાઈવ શો હતો. પરંતુ દિલજીત માટે આ ટુર આટલી સરળ ન હતી. દિલ્લીથી લઈ ઈન્દોર કોન્સર્ટમાં તે અનેક વિવાદોમાં રહ્યો છે. હવે અમદાવાદમાં પણ દિલજીત દોસાંઝના 4 ગીત ન ગાવાની ચેતવણી મળી હતી. ચંદીગઢના પ્રોફેસરે તેમને આ માટે કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી હતી, અને દિલજીતે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.
દિલજીત દોસાંઝનો કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો. કોન્સર્ટ દરમિયાન, સિંગરે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે વિદેશી સિંગરો આવે છે અને દારૂ પીવા વિશે ગીતો ગાય છે, ત્યારે કોઈ વાંધો ઉઠાવતું નથી. જોકે, જ્યારે દિલજીત ગાય છે, ત્યારે દરેકને વાંધો હોય છે.
દિલજીત દોસાંઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં, દિલજીત કહે છે, આજે આપણે જે સ્ટેજ પર છીએ તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આપણને આનો ગર્વ હોવો જોઈએ. અમે ઘણી જગ્યાએ પરફોર્મ કર્યું છે. પરંતુ તમે લોકોએ આ સ્થળે પરફોર્મ કરવાની મારી ઇચ્છા પૂરી કરી છે. ખૂબ ખૂબ આભાર.
દિલજીતે ખુલ્લીને વાત કરી. સિંગરે કહ્યું, “ગત્ત વર્ષે, કોલ્ડપ્લે બેન્ડે અહીં પર્ફોર્મ કર્યું હતું. તે જ દિવસે, મેં નક્કી કર્યું કે હું અહીં પર્ફોર્મ કરવા માંગુ છું. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું. જ્યારે કોલ્ડપ્લે ગાય છે, ત્યારે તેઓ ગાય છે. I am feeling drunk and high કોઈને તેનાથી કોઈ વાંધો નથી. પરંતુ જો દિલજીત ગાય છે, તો સમસ્યા છે. આ બેવડા ધોરણ શા માટે? બહારથી આવતા કલાકાર સાથે કોઈ વાંધો નથી, પરંતુ દિલજીત સાથે સમસ્યા છે. મને કહેવામાં આવે છે, ‘તમે બહારથી છો…’ હું અહીં જન્મ્યો છું.”
PGGC-46, ચંદીગઢ ખાતે સમાજશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર ડૉ. પંડિત રાવ ધરેનાવરે દિલજીતના ચાર ગીતો સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં “પટિયાલા પેગ,” “પંજ તારા,” “જે બિછો ફીમ લબ્બિયા,” અને “જટ્ટ ઉત્તે ફાયર કરદા”નો સમાવેશ થાય છે. પ્રોફેસર કહે છે કે ,ગીતના શબ્દો દારૂ, ડ્રગ્સ અને હથિયારોને પ્રોત્સાહન આપે છે. તેથી, તેઓ ઇચ્છે છે કે દિલજીત આ ગીતો ગાવાનું ટાળે.