
બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer) નો સારો એવો બઝ બનેલો છે. આ ફિલ્મને જોવા માટે લોકો આતુર છે. આ દરમિયાન ફિલ્મ ‘ઉડતા તીર’ નું ધમાકેદાર ટ્રેલર આઉટ થઈ ગયું છે, જે ઈન્ટરનેટની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મ ‘ઉડતા તીર’ નું ટ્રેલર જોઈને લોકો ગદગદ થઈ ગયા છે.
આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન એકવાર ફરી સાથે જોવા મળવાના છે. ‘પતિ પત્ની ઓર વો 2’ પછી બંનેની જોડી હવે આવનારી સ્પાય-કોમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ માં જોવા મળશે. ફિલ્મની ટેગલાઈન છે, “દેશભક્તિ તો યાદ હૈ… પર દેશ નહીં.” આનાથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં ખૂબ ધમાલ, કન્ફ્યુઝન, એક્શન અને કોમેડી જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન આકાશ કૌશિકે કર્યું છે.
‘ઉડતા તીર’ ની વાર્તા એક પાકિસ્તાની જાસૂસ બિલાલની આસપાસ ફરે છે, જેનું પાત્ર આયુષ્માન ખુરાના ભજવી રહ્યો છે. એક ધમાકા પછી બિલાલની યાદશક્તિ જતી રહે છે. ત્યારબાદ તેને લાગે છે કે, તે ભારતનો કાઉન્ટર-ટેરરિઝમ ઓફિસર છે. ટ્રેલરમાં બિલાલનું પાત્ર પોતાને અત્યંત દેશભક્ત ભારતીય ઓફિસર માનવા લાગે છે. પાકિસ્તાની અધિકારીઓ એ વાતથી પરેશાન દેખાય છે કે, આખરે તેમના ખાસ જાસૂસને થયું શું છે?
સારા અલી ખાન ફિલ્મમાં એક સીટીએસ (CTS) ઓફિસરના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં જાસૂસી અને એક્શન સાથે ભરપૂર કોમેડી પણ છે. આ ટ્રેલર જોયા પછી એક યુઝરે લખ્યું, ‘ભાઈ મજા આવી ગઈ…’
ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન સિવાય રાહુલ બોસ, સુપ્રિયા પિલગાવંકર, બ્રિજેન્દ્ર કાલા, રામ કપૂર, સુહૈલ નૈય્યર અને ગુલશન ગ્રોવર પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મ દિવંગત એક્ટર મુકુલ દેવની છેલ્લી સ્ક્રીન એપીયરન્સ પણ હશે. તેમનું મે 2025 માં નિધન થયું હતું. આ ફિલ્મ 9 ઓક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.