રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના પવિત્ર બંધનમાં 14 એપ્રિલે (Alia-Ranbir Wedding) બંધાયા હતા. લગ્નની જાનમાં લોકો મોટાભાગે ઘોડી કે કારમાં જાય છે, પરંતુ રણબીર કપૂર ઘોડી પર ચઢ્યો ન હતો. પરંતુ લગ્ન બાદ એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણીને તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો. આલિયા અને રણબીરે તેમના લગ્ન ભવ્ય રીતે કર્યા વિના સાદગીપૂર્ણ રીતે કર્યા હતા અને આ લગ્નમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. પરંતુ હવે લગ્ન બાદ એક NGOએ આલિયા-રણબીરને ઘોડો (Horses) અને ઘોડી ભેટમાં આપ્યા છે અને તેનું કારણ પણ ઘણું સારું છે.
આલિયા અને રણબીરને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ છે, તેથી જ એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેઓએ લગ્નની જાનમાં ઘોડીનો ઉપયોગ નથી કર્યો. હવે આ વાતને ધ્યાનમાં રાખીને એનિમલ વેલફેર એનજીઓએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્ન પછી એક ઘોડો અને એક ઘોડી ભેટમાં આપ્યા છે અને તેના નામ રણબીર અને આલિયા રાખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ્ટે NGOના આ સુંદર પગલાને આવકાર્યું છે.
બંનેનો રંગ સફેદ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ જગ્યાએથી બચાવી લેવામાં આવ્યા છે. મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ, તેમને ઘોડી ખૂબ જ ખરાબ હાલતમાં મળી હતી. ઘણા લગ્નોમાં તેનો ઉપયોગ થતો હતો. તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. જ્યારે, ઘોડાને ગેટવે ઓફ ઈન્ડિયામાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેના ચારેય પગમાં સોજો હતો. હાલમાં, ઘોડો અને ઘોડી બંને હવે એનિમલ રાહત અભયારણ્યમાં રહે છે, જ્યાં તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. જો કે લોકો લગ્ન પછી બંને દ્વારા આપવામાં આવતી પાર્ટીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રણબીરની માતા નીતુ કપૂરે પોતે કહ્યું કે કોઈ પાર્ટીનું આયોજન કરવામાં આવશે નહીં. બંનેના લગ્નમાં રણબીરના આખા પરિવારની સાથે બોલિવૂડના કેટલાક પ્રખ્યાત નિર્માતા, નિર્દેશકો અને કલાકારોએ પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Lara Dutta: ટૂંકા કરિયરમાં લારા દત્તાએ ઘણી કરી છે બ્લોકબસ્ટર ફિલ્મો, હવે બોલિવૂડથી થઈ ગઈ છે દૂર