
આ એક એવો અભિનેતા કે જેણે માત્ર 19 વર્ષની ઉંમરે જ અભિનયમાં પોતાનો પગ જમાવ્યો. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સેટ પર ક્રૂ મેમ્બર્સ તેની મજાક ઉડાવતા અને ઓટો ડ્રાઈવર કહેતા હતા. હવે એ જ અભિનેતા સુપરસ્ટાર બની ગયો છે અને 150 કરોડ રૂપિયાના ભવ્ય ઘરમાં રહે છે. સાઉથના દિગજ્જ અભિનેતા ધનુષની વાત કરીએ તો, લોકો તેમના દેખાવને લઈને તેમની મશ્કરી કરતા હતા. જો કે, ધનુષે તેની માલામાલ એક્ટિંગથી ભલભલાના મોં બંધ કરી નાખ્યા.
ધનુષના ઘરમાં શરૂઆતથી જ ફિલ્મી વાતાવરણ હતું, કારણ કે તેના પિતા કસ્તુરી રાજા એક અભિનેતા અને દિગ્દર્શક છે. પોતાના પિતાના પગલે ચાલીને ધનુષે વર્ષ 2002માં ફિલ્મ થુલ્લુવાધો ઇલામઈથી પોતાના અભિનયની શરૂઆત કરી. આ ફિલ્મનું દિગ્દર્શન ધનુષના પિતાએ જ કર્યું હતું અને 19 વર્ષની વયે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
2015માં પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં ધનુષે 2003માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કાધલ કોંડેન’ વિશે વાત કરી હતી. ધનુષે કહ્યું હતું કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના લુકની મજાક ઉડાવવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સ તેને ઓટો ડ્રાઈવર કહેતા હતા. ધનુષ આ બાબતોથી ખૂબ જ નારાજ થયો અને તેનું મન તૂટી ગયું. આ પછી તે પોતાની કારમાં બેસીને કલાકો સુધી રડતો રહ્યો. સમય જતાં-જતાં તેણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી અને પોતાના અભિનયથી ટીકાકારોના મોં બંધ કરી નાખ્યા.
પોતાના લુક અંગે મજાક સહન કરનાર ધનુષ આજે દક્ષિણના સૌથી સફળ અભિનેતાઓમાંનો એક છે. સૂત્રો મુજબ, ધનુષની કુલ સંપત્તિ 230 કરોડ રૂપિયાની છે તેવું કહેવાય છે. ચેન્નઈના પોઈસ ગાર્ડન વિસ્તારમાં તેનું 150 કરોડ રૂપિયાનું ઘર છે.