ઉતરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (UP BJP) તેના જૂના સહયોગી અપના દળ (Apna Dal) અને નિષાદ પાર્ટી (Nishad Party) સાથે મળીને ફેબ્રુઆરી- માર્ચમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, ગઠબંધનને કારણે ઉતરપ્રદેશનો સારો વિકાસ થયો છે. આવનારી ચૂંટણીમાં પણ ફરી એકવાર ગઠબંધનની સરકાર બનશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ ઘણી નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે, જ્યારે કોંગ્રેસ એકલા હાથે મેદાનમાં ઉતરી રહી છે.
દરમિયાન, ઉતરપ્રદેશમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પણ ગઠબંધનની (BJP Alliance in UP) જાહેરાત કરી છે. બીજી તરફ ભાજપના સાથી પક્ષ નિષાદ પાર્ટી અને અપના દળના નેતાઓ અનુપ્રિયા પટેલ (Anupriya Patel) અને સંજય નિષાદે (Sanjay Nishad) ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. આ પછી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરતા કહ્યું કે પીએમ મોદી અને યોગીજીના માર્ગદર્શનથી રાજ્યમાં ઘણા લોકકલ્યાણના કામ થયા છે. નડ્ડાએ કહ્યું કે ઉતરપ્રદેશમાં ગઠબંધને ખૂબ સારું કામ કર્યું છે.
અપના દળના અનુપ્રિયા પટેલે કહ્યું કે ગઠબંધનને કારણે ઉતરપ્રદેશ રાજ્યમાં સામાજિક ન્યાય અને વિકાસ માટે કામ કર્યું છે. અનુપ્રિયા પટેલે યોગી સરકારે પછાત વર્ગો માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અનુપ્રિયા પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સાથેના કરાયેલા ગઠબંધનને કારણે વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત શાનદાર પ્રદર્શન થશે.
નિષાદ પાર્ટીના સંજય નિષાદે પણ યોગીના કાર્યકાળમાં પછાત લોકો માટે કરેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. સંજય નિષાદે કહ્યું કે ત્રણેય પક્ષોનુ ગઠબંધન 2022માં ફરીથી ઉતરપ્રદેશમાં ઝંડો ફરકાવશે. નિષાદે વધુમાં કહ્યું કે 2022ની ચૂંટણી જીતવા માટે ત્રણેય પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે. આ ચર્ચા સીટ માટે નથી પરંતુ જીત માટે છે. સંજય નિષાદે વધુમાં કહ્યું કે, ઘણું કામ થઈ ગયું છે, જે બાકી છે તે 2022માં ફરી સત્તામાં આવ્યા બાદ કરવામાં આવશે.
મંગળવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં યુપી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કા માટે લગભગ 160 નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. આજે એટલે કે બુધવારે પીએમ મોદીના નેતૃત્વમાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ઉમેદવારોના નામની યાદી મંજૂરી અર્થે રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ