Punjab Election Result: પંજાબ વિધાનસભા ચૂંટણીના (Punjab Assembly Election) પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal) આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ખરાબ રહ્યુ હતુ. આમ આદમી પાર્ટીની જીત સાથે પંજાબને ભગવંત માનના રૂપમાં નવા CM મળ્યા છે. આ સિવાય ઈતિહાસમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, જ્યારે 12 MBBS ડોકટરોએ તેમના વિરોધીઓને હરાવીને પંજાબ વિધાનસભામાં(Punjab Assembly) જગ્યા બનાવી છે.
આ 12 MBBS ડોક્ટરોમાંથી 9 આમ આદમી પાર્ટી (AAP)ના છે. જ્યારે શિરોમણી અકાલી દળનો એક, બસપાનો એક અને કોંગ્રેસનો એક છે.જેમાંથી મોટાભાગના ડોકટરો પ્રથમ વખત ચૂંટણી લડ્યા છે. AAPની ટિકિટ પર પંજાબ વિધાનસભા પહોંચેલા ડૉક્ટરોમાં તરનતારનથી ડૉ.કાશ્મીર સિંહ સોહલ, ચમકૌર સાહિબથી ડૉ.ચરનજીત સિંહ, અમૃતસર પૂર્વથી ડૉ.ઈન્દરબીર નિજ્જર, મલોટથી ડૉ.બલજીત કૌર, માનસાથી ડૉ.વિજય સિંગલા, ડૉ. મોગા અરોરાથી ડો.અમનદીપ કૌર, શામ ચૌરાસીથી ડો.રવજોત સિંઘ અને પટિયાલા ગ્રામીણમાંથી ડો.બલબીર સિંહનો સમાવેશ થાય છે.
જ્યારે ચબ્બેવાલથી કોંગ્રેસના ડૉક્ટર રાજ કુમાર ચબ્બેવાલ જીત્યા છે. બસપાના ડૉ. નછતર પાલ નવાશહેરથી અને અકાલી દળના ડૉ. શુકવિન્દર કુમાર સુખી બંગા મતવિસ્તારથી જીત્યા છે. મોગાના કરણ રઝવાનિયા એ કહ્યું, “પંજાબ માટે એ સારી વાત છે કે શિક્ષિત લોકો રાજકારણમાં ભાગ લઈ રહ્યા છે અને ચૂંટણી જીતી રહ્યા છે. આવા સંખ્યાબંધ ડોકટરો પંજાબ વિધાનસભામાં પહોંચ્યા છે. હવે અમે આશા રાખીએ છીએ કે તેઓ આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપશે અને રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે કામ કરશે.”
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 42 ટકા મતો સાથે ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવી છે, જે 2017ની ચૂંટણીની સરખામણીમાં 18 ટકા વધુ છે. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી (BJP), શિરોમણી અકાલી દળ (SAD) અને બહુજન સમાજ પાર્ટી (BSP) જેવા મોટા પક્ષોને પાછળ છોડીને AAP 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં 92 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
Published On - 8:19 am, Fri, 11 March 22