પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ રવિવારે જણાવ્યું હતું કે આવતા મહિને યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી ( Punjab Assembly Election 2022) માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 25 જાન્યુઆરીથી શરૂ થશે અને 1 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 10 માર્ચે થશે. એક સત્તાવાર રીલીઝ મુજબ રાજુએ કહ્યું કે નામાંકન પત્રોની ચકાસણી 2 ફેબ્રુઆરીએ કરવામાં આવશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી હશે.
રાજુએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો 25 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી સંબંધિત રિટર્નિંગ ઓફિસર્સની ઓફિસમાં ફાઈલ કરવામાં આવશે. CEOએ કહ્યું કે 26 જાન્યુઆરીએ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 હેઠળ રજા હોવાથી તે દિવસે રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો રજૂ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે 30 જાન્યુઆરીએ રવિવાર હોવાથી રજા છે. રાજ્યમાં 8 જાન્યુઆરીથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
કોરોનાના કેસ વધ્યા બાદ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં રેલીઓ અને રોડ-શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ પ્રથમ બે તબક્કામાં મતદાન થનાર વિધાનસભા ક્ષેત્રોમાં વધુમાં વધુ 500 લોકો સાથે જાહેર સભાઓને મંજૂરી આપી હતી. આ સાથે ડોર ટુ ડોર પ્રચારના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.
પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું. બાદમાં રાજકીય પક્ષોની વિનંતી પર ચૂંટણી પંચે તેને 20 ફેબ્રુઆરી કરી છે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને મતદાનની તારીખ સ્થગિત કરવા વિનંતી કરી હતી કારણ કે લાખો અનુયાયીઓ 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિની ઉજવણી કરવા ઉત્તરપ્રદેશમાં વારાણસીની મુલાકાત લે છે.
પક્ષોએ કહ્યું હતું કે ગુરુ રવિદાસના ઘણા અનુયાયીઓ 14 ફેબ્રુઆરીએ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે તેઓ તે સમયે મુસાફરી કરશે. 20 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પણ થવાનું છે.
આ પણ વાંચો : Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર