ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections 2022) નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. રાજ્યમાં ચૂંટણી પહેલા વિવિધ જ્ઞાતિઓ અને સમુદાયોને આકર્ષવા રાજકીય પાર્ટીઓના પ્રયત્નો તેજ થયા છે. ત્યારે ભાજપે (BJP) પણ અત્યારથી જ આ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના બક્ષી પંચ મોરચાએ રાજ્યભરમાં ખાટલા પંચાયત યોજવાની જાહેરાત કરી છે. ભાજપ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તા (Sangamlal Gupta) હાલમાં અમદાવાદની મુલાકાતે છે. તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે ભાજપ સરકારે ઓબીસી માટે કરેલા કાર્યોને વર્ણવ્યા હતા.
ગુજરાતમાં ભાજપ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ બેઠકો મેળવવા અત્યારથી જ એડી ચોટીનું જોર અજમાવી રહ્યુ છે. જેના ભાગ રુપે ગુજરાતમાં ભાજપના બક્ષી પંચ મોરચાએ ખાટલા પંચાયત યોજવાની જાહેરાત કરી છે. ભાજપ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાએ અમદાવાદની મુલાકાત દરમિયાન ભાજપ સરકારે ઓબીસી માટે કરેલા કાર્યોને વર્ણવ્યા હતા. સાથે જ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે દાયકાઓ સુધી સત્તામાં રહેવા છતાં કોંગ્રેસ ઓબીસી સમાજ માટે કઈ વિચાર્યું નથી. કોંગ્રેસ ફક્ત પરિવારવાદનું જ કામ કર્યું છે. તેમણે કહ્યું કે સમાજના છેવાડાના ઓબીસી સમાજને ભાજપ સાથે જોડવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં ઓબીસી અને માઈક્રો ઓબીસીએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં ગુજરાતમાંથી કૉંગ્રેસનો સફાયો થશે.
મહત્વનું છે કે ભાજપના નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર પણ સંગઠનને વધુ મજબૂત કરવા કામે લાગ્યા છે. અલ્પેશ ઠાકોરે પણ પોતાની સ્નેહ સંવાદ યાત્રા શરૂ કરી છે. બનાસકાઠામાં અલ્પેશ ઠાકોર ગામે ગામ ખાટલા બેઠક કરી યુવાનોથી લઈ વડીલોને મળી રહ્યા છે અને સમાજની મજબૂતી માટે કામ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરની સ્નેહ સંવાદ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો જોડાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો