એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે (NCP leader Nawab Malik) સોમવારે કહ્યું કે અમે કોંગ્રેસ (Congress) સાથે ગોવાની ચૂંટણી લડવા માગતા હતા પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓના કારણે ગઠબંધન થઈ શક્યું નથી. આવતીકાલે એટલે કે મંગળવારે (18 જાન્યુઆરી) અમારા મહાસચિવ અને એક મંત્રી ગઠબંધન અંગે વાત કરવા ગોવા જશે. સાથે જ તેમણે કહ્યું કે અમે મણિપુરમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડીશું. રિપોર્ટ્સનું માનીએ તો શિવસેના ગોવામાં 10થી 15 સીટો પર ચૂંટણી લડી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં NCP નેતાએ કહ્યું કે ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધન માત્ર મહારાષ્ટ્રમાં છે. આ સ્થિતિમાં પાર્ટીની રાષ્ટ્રીય સમિતિ જે પણ નિર્ણય લેશે, તે જ રહેશે.
તેમણે કહ્યું કે અમે પણ ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઈચ્છતા હતા. પરંતુ ત્યાંના સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ ગઠબંધન થવા દીધું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે મંગળવારે ગોવામાં એનસીપી અને શિવસેના વચ્ચે વાતચીત થશે. આ સ્થિતિમાં આવતીકાલે સીટોની વહેંચણી અંગે વાતચીત થવાની આશા છે.
We wanted to contest Goa polls along with Congress but due to some local leaders, alliance couldn’t be formed. Tomorrow, our Gen Secretary & a minister will visit Goa to talk about the alliance… We’ll contest the Manipur polls in alliance with Congress: NCP leader Nawab Malik pic.twitter.com/rMUhONWazS
— ANI (@ANI) January 17, 2022
પાર્ટીના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે શિવસેના 10-15 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શિવસેના ગોવામાં સહયોગી સાથે ચૂંટણી લડશે? આ સવાલના જવાબમાં રાઉતે કહ્યું કે અમે પણ ગોવા જઈશું અને તેમના નેતાઓ પણ જઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ગોવાની રાજનીતિ 10-12 લોકોની આસપાસ ફરે છે. અમે ઈચ્છીએ છીએ કે ગોવાના લોકો સામાન્ય લોકોને ચૂંટે. અમે આ લોકોને ટિકિટ આપીશું.
ગોવા કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું છે કે ગોવામાં સ્થિર સરકાર બનાવવા માટે કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે. ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું વલણ ખૂબ જ ખરાબ છે અને તેમનો હેતુ ખોટો છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે ગોવાની જનતા ચૂંટણીમાં ટીએમસીને નકારવા જઈ રહી છે. અમે તેમની સાથે કોઈ ગઠબંધનમાં નથી.
ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. નામાંકન 21 જાન્યુઆરીથી શરૂ થશે. 28 જાન્યુઆરી નામાંકન માટેની છેલ્લી તારીખ હશે. કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે આ વખતે કડક પ્રોટોકોલ તૈયાર કર્યા છે.