
BMC Election 2026 : 15 જાન્યુઆરી, 2026 ના રોજ મહારાષ્ટ્રમાં મીની-એસેમ્બલી તરીકે ઓળખાતી 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થશે. 4 વર્ષની રાહ જોયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તેથી, બધા પક્ષો આ ચૂંટણીમાં પોતાને વિજયી બનાવવાની હોડમાં લાગી ગયા છે. મ્યુનિસિપલ ચૂંટણીઓ માટેના પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ જશે. જાહેર ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બધા રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ ચૂંટણીઓના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પુણે, નાગપુર અને નાસિક જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સત્તાના સમીકરણો કોની તરફ ઝુકાવશે તેના પર સમગ્ર દેશનું ધ્યાન છે.
રાજ્યના 29 મહત્વપૂર્ણ શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 227 બેઠકો માટે 1,700 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, 7 માર્ચ, 2022 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારથી છેલ્લા 4 વર્ષથી પાલિકાનો વહીવટ આઈએએસ અધિકારીઓ દ્વારા સંભાળવામાં આવી રહ્યો હતો. આખરે, લાંબી રાહ જોયા પછી, મુંબઈકરોને તેમના જનપ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળી રહી છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR): મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, પનવેલ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
ઉત્તર મહારાષ્ટ્ર: નાસિક, માલેગાંવ, ધુળે, જલગાંવ, અહિલ્યાનગર (અહમદનગર) મહાનગરપાલિકા આવેલ છે.
પશ્ચિમ મહારાષ્ટ્ર: પુણે, પિંપરી-ચિંચવાડ, સોલાપુર, સાંગલી-મિરાજ-કુપવાડ, કોલ્હાપુર મહાનગરપાલિકાનો સમાવેશ છે.
મરાઠવાડા: છત્રપતિ સંભાજીનગર, લાતુર, પરભણી, નાંદેડ-વાઘાલા, જાલના મહાનગર આવેલ છે.
વિદર્ભ: નાગપુર, અમરાવતી, અકોલા, ચંદ્રપુર મહાનગરપાલિકા આવેલ છે.
મુંબઈમાં મુખ્યત્વે ત્રણ મુખ્ય જોડાણ મેદાનમાં છે, જેણે પરંપરાગત સમીકરણો બદલી નાખ્યા છે.
ઠાકરે ભાઈઓનું જોડાણ: છેલ્લા 20 વર્ષ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના ઠાકરે જૂથ અને મનસે રાજ ઠાકરેએ એક સાથે આવીને જોડાણ બનાવ્યું છે. આ જોડાણ મુંબઈમાં 97 બેઠકો પર ભાજપ સામે સીધો મુકાબલો કરી રહ્યું છે. મરાઠી ઓળખ, મરાઠી ભાષા તેમના પ્રચારનો મુખ્ય મુદ્દો છે.
મહાયુતિ: આમાં, ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને લડી રહ્યા છે. શાસક ભાજપ 137 અને એકનાથ શિંદેની શિવસેના 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
કોંગ્રેસ-વંચિત ગઠબંધન: કોંગ્રેસે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી સાથે હાથ મિલાવ્યા છે. આ ગઠબંધનમાં ડાબેરી પક્ષોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસે 143 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે પ્રકાશ આંબેડકરની વંચિતે 62 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી: અજિત પવારે નિર્ણય લીધો છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. જ્યારે શરદ પવારે ઠાકરે બંધુઓ સાથે ગઠબંધન કર્યું છે.
મતદાનનો સમય: સવારે 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી.
પરિણામ: 16જાન્યુઆરી 2026.
મતદાન પદ્ધતિ: મુંબઈમાં, એક વોર્ડમાંથી ફક્ત એક જ ઉમેદવાર ચૂંટવાનો છે, જ્યારે બાકીની 28 મહાનગરપાલિકામાં પેનલના સભ્યોને મત આપવાનો છે. એટલે કે, એક વોર્ડમાં 3 થી 4 ઉમેદવારોને મત આપવાની પધ્ધતિ છે.
Published On - 3:47 pm, Tue, 13 January 26