બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની શરુઆત થઈ ચુકી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી રહી છે.
મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાશે. 1 રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રોને આવરી લેવાશે. 2 વાગ્યા બાદ વાવ વિધાનસભાનું પરિણામ જાહેર થઈ શકે છે. મતગણતરી કેન્દ્રો CCTVથી સજ્જ કરાયા છે. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો ફરજ પર હાજર છે. 159થી વધુ અધિકારી -કર્મચારી મતગણતરીમાં કાર્યરત છે. આ સાથે જ હેલ્પલાઈન નંબર 1950 કાર્યરત છે.
વાવ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીત્યા કે પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા કે પછી અપક્ષ માવજી પટેલે ભાજપ-કોંગ્રેસને મ્હાત આપી જે જોવાનું રહ્યુ છે. એકમાત્ર વિધાનસભાની પેટાચૂંટણી છતાં આ મુકાબલો રસપ્રદ રહ્યો હતો. સમાજથી લઈને પાઘડી સુધીનું પોલિટિક્સ થયું. ઈમોશનલ કાર્ડથી લઈને વાયરલ વીડિયો સુધીના મુદ્દા વિવાદમાં રહ્યા જો કે, આ તમામ વાતોનો અંત આવી જશે.
જો કે પરિણામ પહેલા ઉમેદાવારોને જીતને વિશ્વાસ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીતની આશા વ્યક્ત કરી છે. સ્વરૂપજીને આશા છે કે, ઠાકોર સમાજે તેમને જ પસંદ કર્યા છે. ઠાકોર સાથે તમામ સમાજના લોકોએ સ્વરૂપજીને પસંદ કર્યા હોવાનો તેમને વિશ્વાસ છે.
વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.. કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.
ગુલાબસિંહ રાજપૂત આ જ દાવા સાથે જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે.. તેમનું કહેવું છે કે, પ્રચારમાં ગેનીબેન ઠાકોરનો સાથ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. આ વખતે ન તમામ સમાજે કોંગ્રેસને પસંદ કર્યો છે.ગુલાબસિંહનો તો એવો પણ દાવો છે કે, ઠાકોર અને ચૌધરી મત પણ તેમની તરફેણમાં પડ્યા હશે