નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 12ના નવા પોલિટિકલ સાયન્સ પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં બાબરી મસ્જિદના ધ્વંસના ઘણા સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે અને રામ જન્મભૂમિ મંદિર આંદોલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલવામાં આવ્યું છે.
આ અંગે NCERTના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા હતા. કારણ કે પુસ્તકો હિંસક, હતાશ નાગરિકો બનાવવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે તેઓ ફેરફારો કરવામાં સીધા સામેલ નથી અને નિષ્ણાતોએ ‘વૈશ્વિક પ્રથાઓ’ મુજબ તેમને જે યોગ્ય લાગ્યું તે કર્યું. જૂના ચેપ્ટરની તપાસ કરી તેમાં સુધારો કરીને નવું પ્રકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
સકલાણીએ કહ્યું કે, બાબરી મસ્જિદનો સંદર્ભ હટાવવો એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. ત્રણ મહિના પહેલા ફેરફારોની જાહેરાત કર્યા બાદ પાઠયપુસ્તકની નવી આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી. પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ નથી અને નવા પુસ્તકમાં તેને ત્રણ ગુંબજવાળી રચના તરીકે વર્ણવવામાં આવી છે. તેમણે કહ્યું કે નિષ્ણાતોએ નક્કી કર્યું કે તેને શું કહેવુ અને શું નહીં.
તેમણે કહ્યું કે, આ NCERT પુસ્તક એક નાનું પુસ્તક છે. જો કોઈ વિદ્યાર્થી અથવા અન્ય કોઈને આ વિષય પર સંશોધન કરવામાં રસ હોય, તો તેઓ તેના વિશે અન્યત્ર વાંચી શકે છે. સકલાનીએ કહ્યું કે, અમે જિજ્ઞાસુઓને વાંચન અને સંશોધન કરતા રોકી શકતા નથી.
જો કે, NCERTએ કહ્યું છે કે બદલાયેલા સંસ્કરણમાં લખ્યું છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને લઈને વર્ષો જૂના કાનૂની અને રાજકીય વિવાદે ભારતના રાજકારણને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું, જેણે વિવિધ રાજકીય ફેરફારોને જન્મ આપ્યો છે.
કેન્દ્રીય મુદ્દો બનતા રામજન્મભૂમિ મંદિર આંદોલને બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીની દિશા બદલી નાખી. આ ફેરફારો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયને પગલે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં પરિણમ્યા છે. (જેની જાહેરાત 9 નવેમ્બર, 2019ના રોજ કરવામાં આવી હતી).